કવાંટના વિશ્વવિખ્યાત ગેર મેળામાં વન વિભાગની અનોખી પહેલ, ‘જળ-જંગલ-જમીન’ બચાવવાનો સંદેશ આપ્યો


છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે યોજાતા વિશ્વવિખ્યાત ગેર મેળામાં આ વર્ષે વન વિભાગ દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે અનોખી પહેલ હાથ ધરવામાં આવી હતી. પરંપરાગત અને રંગબેરંગી ગેર મેળામાં ઉમટી પડેલી વિશાળ જનમેદની વચ્ચે વન વિભાગે ‘જળ, જંગલ અને જમીન’ના સંરક્ષણનો સંદેશ આપતો ખાસ જનજાગૃતિ અભિયાન યોજ્યું હતું.

વન વિભાગ છોટાઉદેપુર અને સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણ સુરક્ષા અને વૃક્ષારોપણ અંગે લોકોને જાગૃત કરવાનો હતો. ગેર મેળામાં હાજર રહેલા હજારો આદિવાસી ભાઈ-બહેનો અને પ્રવાસીઓને પર્યાવરણ પ્રત્યે જવાબદારીનું મહત્વ સમજાવવા માટે અધિકારીઓએ સીધી મુલાકાતો કરી માહિતી આપી હતી.

આ અભિયાન દરમિયાન વન વિભાગના ડેપ્યુટી ફોરેસ્ટ કન્સર્વેટર (DCF) આર.બી. સોલંકી તથા આસિસ્ટન્ટ કન્સર્વેટર ઓફ ફોરેસ્ટ (ACF) ફતેહ મીના (IFS) સહિત આરએફઓ ટીમ અને વન વિભાગના કર્મચારીઓએ બેનરો અને પ્લેકાર્ડ સાથે મેળામાં ઉપસ્થિત લોકો વચ્ચે જઈ પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવી હતી. અધિકારીઓએ લોકોને વૃક્ષારોપણ, જંગલોનું સંરક્ષણ અને કુદરતી સંસાધનોના સદુપયોગ વિશે માર્ગદર્શન આપ્યું હતું.

ગેર મેળાના રંગીન અને પરંપરાગત માહોલ વચ્ચે ‘જળ, જંગલ અને જમીન’ના સંરક્ષણનો સંદેશ આપતી આ પહેલ લોકઆકર્ષણનું કેન્દ્ર બની હતી. વન વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ જંગલ વિસ્તાર સિવાયની ખાલી જગ્યાઓમાં પણ વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરે. ખાસ કરીને ઔષધીય છોડ, ફળદાર વૃક્ષો અને લાકડાના વૃક્ષો વાવી પર્યાવરણ અને સ્વાસ્થ્ય બંનેનું રક્ષણ કરી શકાય છે.

વન વિભાગે આ અભિયાન દ્વારા લોકોને ભાવિ પેઢી માટે કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરવાની જરૂરિયાત પણ સમજાવી હતી. ગેર મેળામાં હાજર રહેલા હજારો લોકો અને પ્રવાસીઓએ આ પહેલને વધાવી લીધી હતી અને વન વિભાગના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

આ અનોખી પહેલ દ્વારા વન વિભાગે સાબિત કર્યું છે કે લોકમેળા અને સાંસ્કૃતિક ઉત્સવો સમાજમાં પર્યાવરણ અને સામાજિક જાગૃતિ ફેલાવવા માટે ખૂબ અસરકારક માધ્યમ બની શકે છે. કવાંટના ગેર મેળામાં યોજાયેલ આ પર્યાવરણ જાગૃતિ અભિયાન લોકોને પર્યાવરણ પ્રત્યે વધુ જવાબદાર બનવા માટે પ્રેરિત કરી રહ્યું છે.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *