Tapi News


તાપી જિલ્લા સેવા સદનના શૈક્ષણિક પ્રવાસે શાંતિ નિકેતન લાઇબ્રેરીના ૧૦૦ વિદ્યાર્થીઓ

જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, નિવાસી અધિક કલેક્ટર આર.આર. બોરડે વિદ્યાર્થીઓ સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધી આપ્યું માર્ગદર્શન

જિલ્લા વહીવટી તંત્રની કાર્યશૈલી અને વિવિધ વિભાગોની કામગીરીને નજીકથી જાણતા સોનગઢ તાલુકાના ગાળકુવા અને આસપાસના ગામોના વિદ્યાર્થીઓ

જિલ્લા માહિતી કચેરી દ્વારા શાંતિ નિકેતન લાઇબ્રેરી માટે કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-2025 વિતરણ કરાયું

સોનગઢ તાલુકાના ગાળકુવા ખાતેના શાંતિ નિકેતન લાઈબ્રેરીમાં નિયમિત અભ્યાસ કરતા અંદાજે ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ મંગળવારે તાપી જિલ્લા સેવા સદનની મુલાકાત લઈને જિલ્લા વહીવટી તંત્રની કામગીરી અને સરકારી કચેરીઓની કાર્યપદ્ધતિ અંગે પ્રત્યક્ષ માહિતી મેળવી હતી. આ શૈક્ષણિક પ્રવાસ વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી અનુભવ સાબિત થયો હતો.

મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા અને નિવાસી અધિક કલેક્ટર આર.આર. બોરડે વિદ્યાર્થીઓ સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો હતો. તેમણે બાળકો સાથે તેમની અભ્યાસયાત્રા, ભવિષ્યના સપનાઓ અને તેઓ મોટા થઈને કયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છે છે તે અંગે ચર્ચા કરી હતી. વિદ્યાર્થીઓના ઉત્સાહને બિરદાવી તેમણે શિક્ષણની સાથે રમતગમત અને અન્ય સહપાઠ્ય પ્રવૃત્તિઓમાં પણ સક્રિય ભાગીદારી રાખવાની સલાહ આપી હતી.

અધિકારીશ્રીઓએ વિદ્યાર્થીઓને પ્રેરણા પુરુ પાડતા જણાવ્યું કે જીવનમાં સફળતા મેળવવા માટે મનગમતા વિષયો સાથે અઘરા લાગતા વિષયો પર પણ સમાન ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. સતત મહેનત, શિસ્ત અને આત્મવિશ્વાસ દ્વારા કોઈપણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે.

ધોરણ 3 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જિલ્લા સેવા સદનના વિવિધ વિભાગોની મુલાકાત લઈ સરકારી તંત્રની કાર્યશૈલીને નજીકથી નિહાળી હતી. વિદ્યાર્થીઓને કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) તથા નિવાસી અધિક કલેક્ટર (આરએસી) જેવા ઉચ્ચ વહીવટી હોદ્દાઓની ભૂમિકા, સત્તાઓ અને જવાબદારીઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

આ ઉપરાંત, વિવિધ વિભાગોના અધિકારીઓએ વહીવટી તંત્રના જુદા-જુદા સ્તરો વચ્ચે થતું સંકલન અને પ્રજાલક્ષી યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે વિદ્યાર્થીઓને સરળ ભાષામાં માહિતગાર કર્યા હતા. ગ્રામીણ વિસ્તારના બાળકોમાં સરકારી વ્યવસ્થા અને વહીવટી પ્રક્રિયાઓ પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી યોજાયેલ આ પ્રવાસે તેમને નવી દિશા અને પ્રેરણા પૂરી પાડી હતી.

નોંધનીય છે કે, આ તમામ વિદ્યાર્થીઓ સોનગઢ તાલુકાના ગાળકુવા ખાતે કાર્યરત શાંતિ નિકેતન લાઇબ્રેરી સાથે સંકળાયેલા છે. લાઇબ્રેરીમાં જાગૃત અને પ્રતિબદ્ધ યુવાનો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન, તાલીમ અને વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ મારફતે ઉજ્જવળ ભવિષ્ય તરફ પ્રેરિત કરવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારના બાળકોમાં જ્ઞાન, વ્યક્તિત્વ વિકાસ અને કારકિર્દી પ્રત્યેની જાગૃતિ કેળવવામાં આ લાઇબ્રેરી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

શૈક્ષણિક પ્રવાસના અંતિમ તબક્કામાં વિદ્યાર્થીઓએ જિલ્લા માહિતી કચેરીની મુલાકાત પણ લીધી હતી. અહીં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના પ્રચાર-પ્રસાર, જનજાગૃતિ અભિયાન અને જનસંપર્કની કામગીરી કેવી રીતે હાથ ધરવામાં આવે છે તે અંગે માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા માહિતી કચેરી દ્વારા શાંતિ નિકેતન લાઇબ્રેરીને ‘પાક્ષિક’ અને ‘કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-2025’ ભેટરૂપે અર્પણ કરવામાં આવ્યા હતા, જેથી વિદ્યાર્થીઓને કારકિર્દી સંબંધિત ઉપયોગી માહિતી મળી શકે.

સમગ્ર પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ અને જિજ્ઞાસા જોવા મળી હતી. જિલ્લા સેવા સદનની આ મુલાકાતે વિદ્યાર્થીઓને વહીવટી તંત્રને નજીકથી સમજવાની અને ભવિષ્યમાં જવાબદાર નાગરિક તરીકે ઘડાવાની મહત્વપૂર્ણ તક પૂરી પાડી હતી.


  • SANGEETA

    Am a retired principal, social worker, Journalist, state award winner 2015,RTI Activist, Director of karma Education Charitable trust, Editor and owner of Fact of India Times and India Scroll newspaper

    Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *