ઈસરોલી ખાતેથી બારડોલી તાલુકાના ૩૩ ગામોમાં ઘનકચરા વ્યવસ્થાપન પ્રણાલીનો શુભારંભ, રૂ. ૬.૬૭ કરોડના વિકાસકામોનું લોકાર્પણ


બારડોલી તાલુકાના ઈસરોલી ખાતે સુરત જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. બારડોલી વિધાનસભા વિસ્તારમાં આવેલા ૩૩ ગામોમાં ‘ઘનકચરા વ્યવસ્થાપન પ્રણાલી’નો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો હતો તેમજ કુલ રૂ. ૬.૬૭ કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે સંપન્ન થયો હતો.

ઈસરોલી ખાતે આવેલ આર.એન.જી. પટેલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, તાજપોર કોલેજના કેમ્પસમાં આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ઘનકચરા સંકલન માટે તૈયાર કરાયેલા ઈ-વ્હીકલને લીલી ઝંડી બતાવીને સેવા શરૂ કરવામાં આવી હતી.

જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ તાલુકાના છેવાડાના ગામડા સુધી પહોંચે તે માટે તમામ વિભાગો અને તંત્ર સંકલિત રીતે કામ કરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે સ્વચ્છતા જાળવવા માટે માત્ર વહીવટી તંત્ર જ નહીં પરંતુ સમાજના દરેક વર્ગનો સહયોગ પણ જરૂરી છે.

બારડોલી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે સુરત જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની સુવિધાઓ મજબૂત બનાવવામાં સતત પ્રયત્નો થઈ રહ્યા છે. ઘનકચરા વ્યવસ્થાપન પ્રણાલી શરૂ થવાથી ગામોમાં સ્વચ્છતા જળવાશે અને પર્યાવરણનું સંરક્ષણ પણ થશે. સાથે સાથે ગામડાઓમાં આરોગ્યપ્રદ વાતાવરણ ઉભું થશે.

આ નવી પહેલ હેઠળ ગામોમાં ઘરઆંગણે કચરાનું સંકલન, યોગ્ય વિભાજન અને નિકાલ માટે સુવ્યવસ્થિત વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. ઈ-વ્હીકલ દ્વારા કચરાનું સંગ્રહ કાર્ય સરળ બનશે અને સ્વચ્છ ગામ, સ્વસ્થ ગામના અભિયાનને વધુ બળ મળશે.

સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો દ્વારા આ પહેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગામોના સર્વાંગી વિકાસ માટે જિલ્લા પંચાયતના પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતા.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *