ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નવનિયુક્ત શિક્ષણ મંત્રીશ્રીઓનો સન્માન સમારોહ, ‘નમો કે નામ રક્તદાન’ વર્લ્ડ રેકોર્ડનું સન્માન


ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ (સરકાર માન્ય)ની કારોબારી સભા દ્વારા રાજ્ય સરકારના નવનિયુક્ત શિક્ષણ મંત્રીશ્રીઓના સન્માનાર્થે વિશેષ સમારોહનું આયોજન ગાંધીનગરના સેક્ટર-19 સ્થિત વિધા સમીક્ષા કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા તથા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ઉપસ્થિત શિક્ષણ સંઘોના પ્રતિનિધિઓ દ્વારા બંને મંત્રીશ્રીઓનું ભાવપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ‘નમો કે નામ રક્તદાન’ અભિયાન અંતર્ગત 56,256 બ્લડ યુનિટ એકત્ર કરવા બદલ સંઘને મળેલું ઓફિશિયલ વર્લ્ડ રેકોર્ડ પ્રમાણપત્ર મંત્રીશ્રીઓના હસ્તે સંઘના પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ જાડેજાને અર્પણ કરવામાં આવ્યું હતું.

સમારોહ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે વિશેષ કામગીરી બદલ દહેગામ લવાડના શિક્ષિકા શ્રી નીમાબેન ગિરીશકુમાર પારેખ તથા દહેગામના જીવરાજના મુવાડા શાળાના શિક્ષક શ્રી બીપીન પુરી ગોસ્વામીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે રાજ્યના વિવિધ જિલ્લા શિક્ષણ સંઘો દ્વારા મંત્રીશ્રીઓને નોટબુક અર્પણ કરી આવકારવામાં આવ્યા હતા, જે નોટબુકો જરૂરતમંદ વિદ્યાર્થીઓને આપીને શિક્ષણના નવા વિચાર સાથે વિદ્યાર્થીઓના ભવિષ્યની નીવ મજબૂત કરવાની પહેલ કરવામાં આવી હતી.

આ પ્રસંગે ઉદબોધન કરતા શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાએ જણાવ્યું હતું કે, કમજોર વિદ્યાર્થીનો અર્થ એ નથી કે તે સક્ષમ નથી. શિક્ષક તરીકે વિદ્યાર્થીઓની યોગ્યતા અને ક્ષમતાને ઓળખી તેમને આગળ વધવાની તક આપવી આપણી જવાબદારી છે. તેમણે પ્રાથમિક શિક્ષણને ભારતના ભવિષ્યનો મજબૂત પાયો ગણાવ્યો હતો.

શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, શિક્ષકો પર સમાજ વ્યવસ્થા અને સરકારને અત્યંત વિશ્વાસ છે, તેથી જ મહત્વના દરેક કાર્યોમાં શિક્ષકોને સામેલ કરવામાં આવે છે. શિક્ષક માત્ર જ્ઞાનદાતા નહીં પરંતુ સમાજ ઘડતરનો મહત્વનો સ્તંભ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

સમારોહમાં કેન્દ્રીય પ્રાથમિક શિક્ષણ સંઘના હોદ્દેદારો, રાજ્યના વિવિધ જિલ્લાઓના શિક્ષણ સંઘના પ્રમુખો, મહામંત્રીઓ, સભ્યો તથા મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે કાર્યક્રમ અત્યંત સફળ અને યાદગાર બન્યો હતો.


  • Related Posts

    કચ્છ મુલાકાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી: ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને ગણાવી મનુષ્ય અને પ્રકૃતિ માટે આશીર્વાદ


    Acharya Devvrat કચ્છ જિલ્લાના પ્રવાસે પહોંચ્યા દરમિયાન પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતા અનેક કાર્યક્રમોમાં જોડાયા હતા. રાજ્યપાલશ્રીએ ભુજ તાલુકાના કોડકી અને નારાણપર (પસાયતી) ગામની મુલાકાત લઈને પ્રગતિશીલ ખેડૂતોના પ્રાકૃતિક ફાર્મનું નિરીક્ષણ…


    સોમનાથમાં ઇતિહાસ રચાશે: ૧૧ તીર્થોના જળથી મંદિરના શિખર પર પહેલીવાર કુંભાભિષેક


    પ્રથમ જ્યોતિર્લિંગ Somnath Temple ખાતે આયોજિત “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬” અંતર્ગત એક ઐતિહાસિક અને આધ્યાત્મિક પ્રસંગ સાકાર થવા જઈ રહ્યો છે. ૧૧મી મેના રોજ સોમનાથ મંદિરના શિખર પર પહેલીવાર ૧૧ પવિત્ર તીર્થોના…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *