પોરબંદરમાં ‘વીર બાળ દિવસ’ની ગૌરવપૂર્ણ ઉજવણી, વિદ્યાર્થીઓએ કલા-કૌશલ્યથી શૌર્યગાથાને દીપાવી


શીખ ધર્મના દસમા ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના સાહેબઝાદાઓના અદ્વિતીય શૌર્ય, અડગ સાહસ અને સર્વોચ્ચ બલિદાનની સ્મૃતિમાં સમગ્ર દેશની સાથે પોરબંદર જિલ્લામાં પણ 26 ડિસેમ્બરના રોજ ‘વીર બાળ દિવસ’ની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે નાની ઉંમરે ધર્મ અને રાષ્ટ્ર માટે બલિદાન આપનાર સાહેબઝાદાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર શ્રી હસમુખ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને અને ડેપ્યુટી કમિશનર શ્રી હર્ષ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સ્થાનિક ગાંધી સ્મૃતિ ભવન ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ અને વીરતાથી ભરપૂર માહોલ સર્જાયો હતો.

અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા પોરબંદર મનપા કમિશનર શ્રી હસમુખ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, “વીર બાળ દિવસ માત્ર એક ઐતિહાસિક ઘટનાની સ્મૃતિ નથી, પરંતુ અન્યાય સામે અડીખમ ઊભા રહેવાની પ્રેરણા આપતો દિવસ છે. ગુરુ ગોવિંદસિંહજીના સાહેબઝાદાઓએ નાની ઉંમરે જે શૌર્ય અને બલિદાન આપ્યું છે, તે સમગ્ર રાષ્ટ્ર માટે સદાય પ્રેરણારૂપ રહેશે.” તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ શૌર્યગાથાને નવી પેઢી સુધી પહોંચાડવા માટે 26 ડિસેમ્બરને ‘વીર બાળ દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે, જે અત્યંત પ્રશંસનીય છે.

શ્રી પ્રજાપતિએ વધુમાં જણાવ્યું હતું કે, વીરતા માત્ર યુદ્ધભૂમિ પૂરતી સીમિત નથી. આજના સમયમાં સ્વચ્છતા જાળવીને, પર્યાવરણનું સંરક્ષણ કરીને, નિયમોનું પાલન કરીને અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીઓ નિભાવીને પણ નાગરિકો વીરતા દર્શાવી શકે છે. તેમણે પોરબંદરના બાળકો શિક્ષણ, રમતગમત અને વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિઓ હાંસલ કરી જિલ્લાનું અને રાજ્યનું નામ રોશન કરે તેવી આશા વ્યક્ત કરી હતી.

કાર્યક્રમ દરમિયાન પોરબંદરના વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ માટે વિશેષ મંચ પૂરું પાડવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓએ ગાયન, લોકનૃત્ય અને વક્તવ્ય દ્વારા પોતાની પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. આ સાથે ગાયન, નૃત્ય, ચિત્રકલા, વકતૃત્વ સહિત કુલ 14 સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આમ, પોરબંદર જિલ્લામાં ‘વીર બાળ દિવસ’ની ઉજવણી માત્ર સ્મૃતિરૂપે નહીં, પરંતુ નવી પેઢીમાં મૂલ્ય શિક્ષણ, દેશભક્તિ અને જાગૃતિ ફેલાવવાના દ્રઢ સંકલ્પ સાથે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી પરબતભાઈ હાથલીયા સહિત અગ્રણીશ્રીઓ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


  • Related Posts

    આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડેની ભવ્ય ઉજવણી: સેવા, સમર્પણ અને માનવતાનું જીવંત પ્રતિક છે નર્સિંગ વ્યવસાય


    GMERS Medical College ખાતે ‘આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડે’ની ભવ્ય ઉજવણી રાજ્યના આરોગ્ય મંત્રી Praful Pansheriya ની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ કાર્યક્રમમાં નર્સિંગ વ્યવસાયની મહત્તા, સેવા ભાવના અને માનવતાના મૂલ્યોને ઉજાગર…


    જૂનાગઢ રોજગાર વિનિમય કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન: 46 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી


    Junagadh જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા યુવાનોને રોજગારની વધુ તકો ઉપલબ્ધ થાય અને નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છુઓ વચ્ચે સેતુરૂપ બની શકાય તે હેતુથી ઔદ્યોગિક ભરતીમેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *