નવસારી કૃષિ યુનિવર્સિટીના ગણદેવી ફળ સંશોધન કેન્દ્રને પાંચમી વખત ‘બેસ્ટ સેન્ટર એવોર્ડ’થી રાષ્ટ્રીય ગૌરવ


નવસારી: નવસારી કૃષિ યુનિવર્સિટીના ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવીને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા વર્ષ 2025 માટે પાંચમી વખત પ્રતિષ્ઠિત “બેસ્ટ સેન્ટર એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો છે. આ સિદ્ધિ સમગ્ર ગુજરાત તેમજ દેશ માટે ગૌરવપૂર્ણ ક્ષણ સાબિત થઈ છે.

ફળ સંશોધન કેન્દ્રના વડા ડો. અંકુર પટેલે માહિતી આપતાં જણાવ્યું હતું કે Indian Council of Agricultural Research (ICAR) અંતર્ગત અખિલ ભારતીય સંકલિત સંશોધન યોજના – ફળ (AICRP on Fruits)ની 13મી વાર્ષિક ગ્રુપ ડિસ્કશન મીટિંગ તા. 9 થી 12 ફેબ્રુઆરી, 2026 દરમિયાન G. B. Pant University of Agriculture and Technology, ઉત્તરાખંડ ખાતે યોજાઈ હતી.

આ બેઠક દરમિયાન દેશભરના 49 ટ્રોપિકલ અને સબટ્રોપિકલ ફળ સંશોધન કેન્દ્રો અને સંસ્થાઓની વર્ષ દરમિયાન થયેલી કામગીરીનું વિગતવાર મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. તેમાં ગણદેવી સ્થિત ફળ સંશોધન કેન્દ્રની ઉમદા સંશોધન કામગીરી, નવી જાતોના વિકાસ, ઉત્પાદન વૃદ્ધિ અને ખેડૂતમૈત્રી ટેકનોલોજી પ્રસારને ધ્યાનમાં રાખીને આ એવોર્ડ આપવામાં આવ્યો છે.

આ એવોર્ડ ડો. વી. બી. પટેલ (અસિસ્ટન્ટ ડાયરેક્ટર જનરલ, હોર્ટીકલ્ચર) અને ડો. પ્રકાશ પાટીલના અધ્યક્ષસ્થાને એનાયત થયો હતો. નોંધનીય છે કે વર્ષ 2020થી 2023 સુધી સતત ચાર વર્ષ આ કેન્દ્રને “બેસ્ટ સેન્ટર એવોર્ડ” પ્રાપ્ત થયો હતો, જ્યારે 2024માં દ્વિતીય સ્થાન મળ્યું હતું. આમ, પાંચ વખત આ સન્માન મેળવનાર ગણદેવી ફળ સંશોધન કેન્દ્ર દેશનું પ્રથમ કેન્દ્ર બન્યું છે.

આ સિદ્ધિ બદલ ડો. અંકુર પટેલે કેન્દ્રના વૈજ્ઞાનિકો ડો. કે. ડી. બિશન, ડો. પી. કે. મોદી, ડો. અર્પિતાબેન પટેલ, ડો. સોનલબેન પટેલ સહિત તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

વિશ્વવિદ્યાલયના કુલપતિ ડો. ટી. આર. અહેલાવત અને કુલસચિવ ડો. વીરડીયાએ ગણદેવી કેન્દ્રને અભિનંદન પાઠવી ઉમદા સંશોધન કામગીરી માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી. આ સિદ્ધિથી ગુજરાતના કૃષિ સંશોધન ક્ષેત્રને નવી દિશા અને પ્રેરણા મળી છે.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *