
પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોમાં પર્યાવરણમૈત્રી ખેતી પ્રત્યે જાગૃતિ લાવવા માટે જૂનાગઢ ખાતે કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ યોજના અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે કૃષિ મેળો તથા પ્રાકૃતિક કૃષિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના સરદારબાગ નજીક આવેલા લઘુ કૃષિ ભવન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કૃષિ મેળામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા પોતાના ઉત્પાદનોનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. વિવિધ સ્ટોલ દ્વારા પ્રાકૃતિક કૃષિના ઉપાયો, ઉત્પાદનો અને ખેતીની નવી પદ્ધતિઓ અંગે માહિતી આપવામાં આવી હતી, જેને ખેડૂતો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.
કાર્યક્રમના અધ્યક્ષ તરીકે સંબોધન કરતાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. વી.પી. ચોવટીયાએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ માત્ર જમીનનું આરોગ્ય સુધારે છે એટલું જ નહીં પરંતુ લોકોના સ્વાસ્થ્ય માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે ખેડૂતોને અનુરોધ કર્યો હતો કે ભાવિ પેઢીને સારી અને તંદુરસ્ત જમીન આપવી એ આપણી ફરજ છે, તેથી જમીનની સાચવણી કરવી અત્યંત જરૂરી છે.
તેમણે જણાવ્યું હતું કે રાજ્યની ચારેય કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે સંશોધન કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. પ્રાકૃતિક ખેતીથી જમીનની કેમિકલ, બાયોલોજિકલ અને ફિઝિકલ સ્થિતિમાં સુધારો થાય છે અને જમીનમાં વરસાદી પાણી ઉતરવાની ક્ષમતા પણ વધે છે. સાથે જ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના અતિરેક ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, જેના કારણે જમીનનો ઓર્ગેનિક કાર્બન પણ ઘટીને લગભગ 0.5 ટકા સુધી પહોંચી ગયો છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક એન.બી. જાદવે જણાવ્યું હતું કે રાસાયણિક ખાતર અને દવાઓના વધુ ઉપયોગથી જમીન બિનઉપજાઉ બની રહી છે. તેથી જમીનની ગુણવત્તા જાળવવા માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવી સમયની જરૂરિયાત છે.
કાર્યક્રમ દરમિયાન બાગાયત પોલિટેકનિકના પ્રિન્સિપલ ડો. એચ.એલ. કાચા અને કીટક શાસ્ત્ર વિભાગના મદદનીશ પ્રાધ્યાપક ડો. એચ.એસ. ગોધાણીએ પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત પશુચિકિત્સક ડો. એસ.બી. દુધાત્રાએ પશુપાલન વિશે મહત્વપૂર્ણ માહિતી આપી હતી.
આ પ્રસંગે પ્રાકૃતિક કૃષિના પ્રગતિશીલ ખેડૂત રમેશભાઈ સાવલિયા અને ચેતનાબેન નયનભાઈ બથાણીએ પોતાના અનુભવ શેર કર્યા હતા. કાર્યક્રમમાં આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર અને નાયબ ખેતી નિયામક ડી.જી. રાઠોડ, સંયુક્ત ખેતી નિયામક એસ.એમ. ગધેસરિયા, જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટ સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ-બહેનો હાજર રહ્યા હતા.





