
જૂનાગઢ ખાતે આવેલી જૂનાગઢ આયુર્વેદિક હોસ્પિટલમાં આયુષ મેળા અંતર્ગત એક અનોખી આયુર્વેદિક કુકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઋતુચર્યા અનુસાર આહાર લેવાનો સંદેશ સમાજ સુધી પહોંચે તે હેતુથી આયુર્વેદનો તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ વસંતઋતુને અનુરૂપ આરોગ્યપ્રદ અને પોષણક્ષમ વાનગીઓ તૈયાર કરી હતી.
આ સ્પર્ધામાં ચાર જુદી જુદી આયુર્વેદ કોલેજોની કુલ ૧૫ ટીમોના ૪૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દરેક ટીમે આયુર્વેદના સિદ્ધાંતોને આધારે સ્ટાર્ટર, મુખ્ય ભોજન અને ડેઝર્ટ સહિતની સંપૂર્ણ થાળી તૈયાર કરી હતી. વાનગીઓમાં સ્વાદ અને આરોગ્યનો સંતુલિત સમન્વય જોવા મળ્યો હતો.
સ્પર્ધામાં મોરીંગા મલ્ટીગ્રેન થાલીપીટ ચાંગેરી ઠેચા, વસંત તડકા, યવ ચાઉમેન, વસંત બહાર, સ્પિનચ પેસ્ટો નુડલ્સ, રાગી ટીકી અને રાગી ઢોસા જેવી નવીન વાનગીઓ રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ આયુર્વેદિક દ્રષ્ટિકોણ સાથે આધુનિક પ્રેઝન્ટેશન અને ઇનોવેશનનો સુંદર સમન્વય સાધ્યો હતો.
આ સ્પર્ધા અંગે ડો. ક્રિષ્ના માકડીયાએ જણાવ્યું હતું કે, વસંતઋતુ દરમિયાન કફનો પ્રભાવ વધતો હોવાથી હળવો, શેકેલો અને પાચનશક્તિ વધારતો આહાર લેવો જરૂરી છે. ઘઉં, જવ, મધ, નાગરવેલ, ટોપરૂ જેવી સામગ્રીનો ઉપયોગ આરોગ્ય માટે લાભદાયક માનવામાં આવે છે. લોકોમાં ઋતુ મુજબના આહાર અંગે જાગૃતિ ફેલાય તે માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્પર્ધક હેતવી જોબનપુત્રાએ મોરિંગા મલ્ટીગ્રેન થાલીપીટને આયુર્વેદિક ટચ આપી રજૂ કરી હતી. જ્યારે ઉત્સવી પટેલે કફ શાંત કરે તેવી પાલકના પાતરા, મગના પુડલા અને પૌષ્ટિક સૂપ જેવી વાનગીઓ બનાવી હતી.
જજિંગ દરમિયાન પોષણક્ષમતા, રસોઈ બનાવવાની પદ્ધતિ, વપરાયેલા વાસણો, કુકિંગ સ્કિલ, ટેક્સચર, ગાર્નિશિંગ અને પ્રેઝન્ટેશન જેવા માપદંડોને ધ્યાનમાં રાખીને શ્રેષ્ઠ વાનગીની પસંદગી કરવામાં આવશે. સ્પર્ધાની પસંદ કરાયેલ વાનગીઓની રેસીપી ટૂંક સમયમાં કોલેજની વેબસાઈટ પર ઉપલબ્ધ કરાશે, જેથી સામાન્ય લોકો પણ વસંતઋતુમાં સ્વાદ સાથે સ્વાસ્થ્યપ્રદ આહાર અપનાવી શકે.





