ખુશનુમા વાતાવરણમાં ૧૮મી અખિલ ભારત ગિરનાર આરોહણ–અવરોહણ સ્પર્ધાનો ઉત્સાહભેર પ્રારંભ, ૧૨ રાજ્યના ૫૧૬ સ્પર્ધકો જોડાયા


ગુજરાતના ગૌરવ સમાન અને સૌથી ઊંચા પર્વત ગિરનાર પર આયોજિત ૧૮મી અખિલ ભારત ગિરનાર આરોહણ–અવરોહણ સ્પર્ધાનો આજે વહેલી સવારે ખુશનુમા વાતાવરણમાં ઉત્સાહ અને ખેલભાવનાથી પ્રારંભ થયો હતો. દેશભરના ૧૨ રાજ્યમાંથી ૫૧૬ જેટલા સ્પર્ધકોએ ગિરનાર પર્વતને સર કરવા માટે જોમ-જુસ્સા સાથે દોટ મૂકી હતી. સમગ્ર જૂનાગઢમાં રમતગમત અને દેશવ્યાપી એકતાનો માહોલ જોવા મળ્યો હતો.

આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનો શુભારંભ મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા, જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન શ્રીમતી પલ્લવીબેન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર શ્રી તેજસ પરમાર, જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરા, દંડક શ્રી કલ્પેશ અજવાણી, પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ, અગ્રણી શ્રી યોગેન્દ્ર પઢિયાર તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી નીતાબેન વાળા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ત્રિરંગા બલૂન આકાશમાં ઉડાવી અને ફ્લેગ ઓફ આપી કરવામાં આવ્યો હતો.

જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૮થી શરૂ થયેલી આ સ્પર્ધા આજે ૧૮માં વર્ષમાં પ્રવેશી છે, જેમાં દેશભરના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધા માત્ર રમતગમત પૂરતી સીમિત નથી, પરંતુ ગુજરાત અને જૂનાગઢ સાથે દેશભરના સ્પર્ધકોનું સાંસ્કૃતિક જોડાણ મજબૂત બનાવે છે. સાથે જ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ફિટ ઇન્ડિયા અભિયાન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનને પણ આ સ્પર્ધા સાર્થક કરે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, સ્પર્ધાનું પરિણામ સંપૂર્ણપણે આરએફઆઈડી (RFID) ટેકનોલોજીના આધારે તૈયાર કરવામાં આવે છે, જેમાં કોઈપણ પ્રકારનો માનવીય હસ્તક્ષેપ નથી. સ્પર્ધકો માટે રહેવા-જમવાની વ્યવસ્થા, મેડિકલ ચેકઅપ અને સુરક્ષાની સંપૂર્ણ સુવિધા પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે.

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંચાલિત આ સ્પર્ધા ચાર કેટેગરીમાં યોજાઈ હતી. જેમાં સિનિયર ભાઈઓમાં ૧૮૯, જુનિયર ભાઈઓમાં ૧૨૮, સિનિયર બહેનોમાં ૧૧૬ અને જુનિયર બહેનોમાં ૮૩ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, સિનિયર તથા જુનિયર ભાઈઓ માટે અંબાજી સુધીના ૫૫૦૦ પગથિયા અને સિનિયર-જુનિયર બહેનો માટે માળી પરબ સુધીના ૨૨૦૦ પગથિયાની કઠિન પરંતુ રોમાંચક સ્પર્ધા યોજાઈ હતી.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *