
જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણવાસિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન નાગરિકો દ્વારા રજૂ કરવામાં આવેલી કુલ ૨૬ અરજીઓનો સ્થળ પર જ ત્વરિત અને હકારાત્મક નિકાલ કરી અરજદારોની સમસ્યાઓનું સમાધાન લાવવામાં આવ્યું હતું.
જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન જિલ્લામાંથી આવેલા નાગરિકોની વ્યક્તિગત તેમજ જાહેર હિતને લગતી કુલ ૨૫ ફરિયાદો પર રૂબરૂ ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ તમામ અરજદારોની રજૂઆતોને ગંભીરતાપૂર્વક સાંભળી અને સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે વિસ્તૃત સમીક્ષા કરી હતી. ફરિયાદોનું સમયસર અને સંતોષકારક નિરાકરણ થાય તે હેતુથી કલેક્ટરશ્રીએ જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
બેઠક દરમિયાન કલેક્ટરશ્રીએ સ્પષ્ટ સૂચના આપી હતી કે સરકારની માર્ગદર્શિકાઓ મુજબ તમામ ફરિયાદો પર ઝડપી અને અસરકારક કાર્યવાહી કરવામાં આવે અને નાગરિકોને વારંવાર કચેરીઓના ધક્કા ન ખાવા પડે તેની ખાસ કાળજી લેવાય. તેમણે વહીવટી તંત્રને વધુ સંવેદનશીલ અને જવાબદાર બનવા પર ભાર મૂક્યો હતો.
આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં નાગરિકો દ્વારા ગેરકાયદે દબાણ દૂર કરવું, રસ્તો ખુલ્લો કરવો, ગામના મુખ્ય માર્ગ પર પુલ (બ્રિજ) બનાવવાની માંગ, તેમજ પુલના બંને બાજુ રેલિંગ સ્થાપિત કરવાની જરૂરિયાત જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. આ તમામ પ્રશ્નો સંદર્ભે સંબંધિત વિભાગોને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી, જેથી જનસામાન્યને સલામત અને સુગમ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે.
જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ થયેલી ત્વરિત કાર્યવાહીથી અરજદારોમાં સંતોષની લાગણી જોવા મળી હતી. અરજદારોએ પોતાની ફરિયાદોનું સ્થળ પર જ સુખદ સમાધાન થતા જિલ્લા વહીવટીતંત્ર પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ જિલ્લા સ્વાગત કાર્યક્રમ નાગરિકો અને વહીવટીતંત્ર વચ્ચે સકારાત્મક સંવાદનું મંચ બની રહ્યું છે. જનસમસ્યાઓના સમયસર નિવારણ દ્વારા પારદર્શક, લોકહિતકારી અને જવાબદાર શાસન પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા આ કાર્યક્રમ દ્વારા ફરી એકવાર સ્પષ્ટ થઈ છે.

