UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2024માં નવસારીના મિહિર પટેલનો કમાલ, AIR 109 સાથે સુરતને અપાવ્યો ગૌરવ


યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા જાહેર કરાયેલા સિવિલ સર્વિસ પરીક્ષા 2024ના અંતિમ પરિણામોમાં નવસારી જિલ્લાના ગાંદેવી તાલુકાના નંદારખા ગામના યુવાન મિહિર પટેલે શાનદાર સફળતા મેળવી છે. હાલ સુરતના ઉધના સ્થિત સબ રજિસ્ટ્રાર કચેરીમાં સબ રજિસ્ટ્રાર (ગ્રેડ-1) તરીકે ફરજ બજાવતા 25 વર્ષીય મિહિર પટેલે ઓલ ઈન્ડિયા રેન્ક (AIR) 109 મેળવીને પરિવાર, જિલ્લો અને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

મિહિર પટેલ મૂળ નવસારી જિલ્લાના ગાંદેવી તાલુકાના નંદારખા ગામના રહેવાસી છે. તેમના પરિવારમા માતા અને મોટી બહેન છે. તેમની માતા સરકારી શાળામાં શિક્ષિકા તરીકે સેવા આપે છે, જ્યારે સ્વ. પિતા રાજેન્દ્રભાઈ પટેલ હંમેશા ઇચ્છતા હતા કે મિહિર મોટો સરકારી અધિકારી બને. પિતાની આ ઈચ્છાને સાકાર કરવા માટે મિહિરે સતત મહેનત અને સંઘર્ષ કરીને આ સફળતા મેળવી છે.

મિહિર પટેલે વર્ષ 2020માં ITમાં B.E. ડિગ્રી પૂર્ણ કરી હતી. તે જ વર્ષે તેમણે અમદાવાદ ખાતે SPIPAમાં પ્રવેશ લઈને UPSCની તૈયારી શરૂ કરી હતી. છેલ્લા પાંચ વર્ષથી તેઓ સતત પરીક્ષાની તૈયારી કરતા હતા. આ દરમિયાન તેમણે અનેક પડકારોનો સામનો કર્યો, પરંતુ હિંમત ન હારતા સતત પ્રયત્નો ચાલુ રાખ્યા. તેઓ પાંચ વખત પ્રિલિમ્સ પરીક્ષા પાસ કરી ચૂક્યા હતા અને સતત મહેનતના પરિણામે આ વખતે તેમને AIR 109 જેવી ઉત્તમ રેન્ક પ્રાપ્ત થઈ છે.

મિહિર પટેલે જણાવ્યું હતું કે તેમના પિતાના આગ્રહથી બાળપણથી જ તેઓ નિયમિત અખબાર વાંચતા હતા. અખબારમાં પ્રકાશિત થતા કલેક્ટર અથવા કમિશનર જેવા અધિકારીઓના લેખો વાંચીને તેમને ખૂબ પ્રેરણા મળતી હતી. કોલેજ દરમિયાન જનરલ નોલેજ અને કરન્ટ અફેર્સ વાંચવાની ટેવ પણ UPSCની તૈયારીમાં ખૂબ મદદરૂપ બની.

સફળતાનું રહસ્ય જણાવતાં મિહિર પટેલે કહ્યું કે UPSC જેવી પ્રતિષ્ઠિત પરીક્ષામાં સફળતા મેળવવા માટે શિસ્તબદ્ધ અને નિયમિત તૈયારી, સકારાત્મક અભિગમ અને સારો મિત્રવર્તુળ ખૂબ જ જરૂરી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે પરીક્ષાની તૈયારી દરમિયાન તેઓ દૈનિક, સાપ્તાહિક અને માસિક અભ્યાસનું આયોજન કરતા હતા.

અન્ય યુવાનોને સંદેશ આપતા તેમણે કહ્યું કે UPSC સહિત કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા માટે પરિણામ કેન્દ્રિત નહીં પરંતુ પ્રયત્ન કેન્દ્રિત મહેનત કરવી જોઈએ. સાથે સાથે આત્મપરીક્ષણ અને સતત સુધારા દ્વારા આગળ વધવું જરૂરી છે.

મિહિર પટેલની આ સિદ્ધિ બદલ સુરતના રજીસ્ટ્રેશન વિભાગના અધિકારીઓ, સ્ટાફ અને મિત્રવર્તુળે તેમને અભિનંદન પાઠવ્યા છે.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *