
સુરત શહેરમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને વાહનચાલકોમાં સલામતી અંગે જાગૃતિ લાવવા માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ માર્ગ સલામતી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત નવી સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોમાં કાર્યરત સ્ટાફને નિઃશુલ્ક હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ સુરત ટ્રાફિક પોલીસના માર્ગદર્શન હેઠળ અને Truhome Financeના કોર્પોરેટ સોશિયલ રેસ્પોન્સિબિલિટી (CSR) પહેલ અંતર્ગત યોજાયો હતો. સાથે સાથે Elixir Foundationના સહયોગથી આ અભિયાનને સફળ બનાવવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કુલ 1000થી વધુ હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
નવી સિવિલ હોસ્પિટલના સફાઈકર્મીઓ, એક્સ-રે ટેક્નિશિયન, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસના ક્લેરિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ તેમજ ડેટા ઓપરેટર સહિતના વિવિધ વિભાગોના કર્મચારીઓને આ હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય હેતુ હોસ્પિટલના સ્ટાફને માર્ગ સલામતી અંગે પ્રોત્સાહિત કરવાનો અને તેમના જીવનની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.
આ સમગ્ર અભિયાન સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું. સાથે જ સંયુક્ત પોલીસ કમિશનર (ટ્રાફિક) સજ્જનસિંહ પરમાર, નાયબ પોલીસ કમિશનર (સેક્ટર-01) ટ્રાફિક પન્ના મોમૈયા, નાયબ પોલીસ કમિશનર (સેક્ટર-02) ટ્રાફિક અનુપમ તેમજ ACP શાહિલ ટંડેલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ આ જ પ્રકારની પહેલ અંતર્ગત 1000 જેટલા હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેને સારો પ્રતિસાદ મળ્યો હતો. આ વર્ષે પણ આ અભિયાનને આગળ વધારીને વધુ કર્મચારીઓને સુરક્ષા કવચ પૂરુ પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
સુરત ટ્રાફિક પોલીસ દ્વારા નાગરિકોને હંમેશા હેલ્મેટ પહેરવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. આ પ્રકારના અભિયાનોથી નાગરિકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ વધે છે અને અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.





