
Devbhumi Dwarka districtમાં આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયેલા અંદાજિત રૂ. 1.24 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે Mulu Beraના હસ્તે સેવક દેવળીયા, આંબરડી અને રામનગર ગામોમાં નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિરો જનતા માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા.
આ યોજનાના અંતર્ગત સેવક દેવળીયા ગામે રૂ. 42.15 લાખ, આંબરડી ગામે રૂ. 39.86 લાખ અને રામનગર ગામે રૂ. 42.51 લાખના ખર્ચે આયુષ્માન આરોગ્ય મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ આરોગ્ય કેન્દ્રો શરૂ થતાં સ્થાનિક ગ્રામજનોને પ્રાથમિક આરોગ્ય સેવાઓ હવે પોતાના ગામ નજીક જ ઉપલબ્ધ બનશે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓ વધુ સશક્ત બનશે.
આ પ્રસંગે ધારાસભ્ય મુળુભાઈ બેરા સહિત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ધન્વંતરિ રથનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ધન્વંતરિ રથ ગામડાઓમાં આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. રથ દ્વારા દુરદરાજના વિસ્તારોમાં જઈ આરોગ્ય તપાસ, સારવાર તથા જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.
નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિરોમાં વિવિધ 12 પ્રકારની આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં સામાન્ય આરોગ્ય તપાસ, માતા અને બાળ આરોગ્ય સેવા, રસીકરણ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી જીવનશૈલી સંબંધિત બીમારીઓની તપાસ તેમજ અન્ય પ્રાથમિક આરોગ્ય સેવાઓનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ સગવડભરી અને સુલભ બને તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આયુષ્માન આરોગ્ય મંદિરોના નિર્માણથી ગામડાના લોકો સુધી ગુણવત્તાસભર આરોગ્ય સેવા સરળતાથી પહોંચશે.
કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને આ નવી આરોગ્ય સુવિધાઓ શરૂ થતાં આનંદ વ્યક્ત કર્યો હતો.





