
માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ગીર સોમનાથ જિલ્લાના બે દિવસીય પ્રવાસે પધાર્યા હતા. પ્રવાસ દરમિયાન દિવસભરના વિવિધ કાર્યક્રમોની વ્યસ્તતા બાદ તેમણે ઉમરેઠી ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં અત્યંત સાદગીસભર રીતે રાત્રિ રોકાણ કર્યું હતું. રાજ્યપાલશ્રીએ શાળાના સામાન્ય ઓરડામાં જમીન પર પથારી પાથરી સહજભાવે શયન કરી પોતાની સાદગી અને લોકસંપર્કની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
રાજ્યપાલશ્રીના આ સરળ અને આત્મીય વર્તનથી ગામના લોકો, શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓમાં વિશેષ આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી હતી. ઉચ્ચ પદ પર હોવા છતાં સામાન્ય નાગરિકોની વચ્ચે રહી સાદગીથી જીવન જીવવાની તેમની વિચારધારા સૌ માટે પ્રેરણાદાયી બની રહી. ઉમરેઠી ગામમાં રાજ્યપાલશ્રીના રાત્રિ રોકાણને કારણે સમગ્ર ગામમાં ઉત્સાહ અને સકારાત્મક વાતાવરણ સર્જાયું હતું.
રાત્રિ રોકાણ બાદ વહેલી સવારે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શાળાના બાળકો તેમજ ગામના યુવાનો સાથે યોગ અને પ્રાણાયામ કર્યા. ખુલ્લા વાતાવરણમાં યોજાયેલા આ યોગાભ્યાસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રાજ્યપાલશ્રીએ યોગના વિવિધ આસનો અને પ્રાણાયામની પ્રક્રિયા કરીને સૌને નિયમિત યોગાભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા.
આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, “યોગ અને પ્રાણાયામથી માત્ર શારીરિક તંદુરસ્તી જ નહીં પરંતુ માનસિક તંદુરસ્તી પણ કેળવાય છે.” તેમણે આજના તણાવભર્યા જીવનમાં યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવા પર ભાર મૂક્યો હતો. યોગ દ્વારા માનસિક શાંતિ, એકાગ્રતા અને સકારાત્મક વિચારશક્તિ વિકસે છે તેમ તેમણે ઉમેર્યું.
ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસ દરમિયાન રાજ્યપાલશ્રી દ્વારા કરાયેલું આ સાદગીસભર રોકાણ અને યોગ પ્રત્યેનો સંદેશ જનસામાન્ય માટે પ્રેરણાસ્રોત બની રહ્યો છે. રાજ્યપાલશ્રીનો આ પ્રવાસ લોકસંપર્ક, આરોગ્ય જાગૃતિ અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને ઉજાગર કરતો મહત્વપૂર્ણ પ્રસંગ તરીકે યાદગાર બન્યો છે.





