
સુરત શહેરમાં પોલીસ કર્મચારીઓ માટે સુવિધાસભર આવાસ ઉપલબ્ધ કરાવવાના હેતુથી નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે પોલીસ આવાસ યોજનાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ યોજનાઅંતર્ગત સુરત શહેરના આઠવાલાઇન્સ, અમરોલી, પાલ અને ભેસ્તાન વિસ્તારોમાં અંદાજે રૂ. 6 કરોડના ખર્ચે કુલ 262 આધુનિક પોલીસ આવાસોનું નિર્માણ કરવામાં આવશે.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પોલીસ કર્મચારીઓ રાજ્યની સુરક્ષા માટે દિવસ-રાત ફરજ બજાવે છે, ત્યારે તેમને રહેણાંક માટે સારા અને આધુનિક સુવિધાઓ આપવી સરકારની જવાબદારી છે. પોલીસ આવાસ યોજનાથી પોલીસ પરિવારને સુરક્ષિત, આરામદાયક અને સુવિધાસભર જીવન મળશે, જેનાથી તેમની કાર્યક્ષમતામાં વધારો થશે.
આઠવાલાઇન્સ સ્થિત પોલીસ હેડક્વાર્ટર ખાતે B-10 લેવલના 45 પોલીસ આવાસોનું નિર્માણ કરવામાં આવશે, જેમાં બેસમેન્ટ અને પાર્કિંગ સાથે 10 માળનું મકાન બનશે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલ માટે B-20 લેવલના 14 પોલીસ આવાસો રૂ. 5 કરોડના ખર્ચે બનાવાશે, જેમાં પણ પાર્કિંગ સહિત 10 માળનું આધુનિક બિલ્ડિંગ હશે.
પાલ વિસ્તારમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર માટે B-25 લેવલના 7 આવાસોનું રૂ. 6 કરોડના ખર્ચે નિર્માણ થશે, જેમાં પોલીસ સ્ટેશન સહિત પાર્કિંગ સુવિધા આપવામાં આવશે. જ્યારે અમરોલી વિસ્તારમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર માટે C-24 લેવલના 3 માળના પોલીસ આવાસોનું નિર્માણ કરવામાં આવશે.
આ તમામ પોલીસ આવાસો ડ્રોઇંગ રૂમ, માસ્ટર બેડરૂમ, બેડરૂમ, કિચન-ડાઇનિંગ એરિયા, બાલ્કની, સ્ટોર રૂમ, કોમન ટોયલેટ, એટેચ ટોયલેટ, વોશ એરિયા તેમજ ફાયર લિફ્ટ જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ રહેશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં સુરત શહેરમાં પોલીસ કલ્યાણ માટેના આ પગલાં પોલીસ કર્મચારીઓના મનોબળમાં વધારો કરશે તેમજ શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ સાબિત થશે.





