
ગુજરાતનું આર્થિક અને ઔદ્યોગિક પાટનગર ગણાતું સુરત શહેર હવે એક નવી ઐતિહાસિક સિદ્ધિ તરફ આગળ વધી રહ્યું છે. 70 લાખથી વધુ વસ્તી ધરાવતું સુરત શહેર દેશનું પ્રથમ “સ્લમ ફ્રી સિટી” બનવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે. છેલ્લા બે દાયકામાં સુરતમાં ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતાં નાગરિકોની સંખ્યા 38 ટકાથી ઘટીને માત્ર 5 ટકા સુધી પહોંચી છે, જે શહેરી વિકાસના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન માનવામાં આવે છે.
આ સફળતા પાછળ રાજ્ય સરકાર, સુરત મહાનગરપાલિકા અને વિવિધ શહેરી વિકાસ યોજનાઓની સતત અને પરિણામલક્ષી કામગીરી મુખ્ય કારણ રહી છે. આવાસ યોજના, પુનર્વસન પ્રોજેક્ટ, પાયાની સુવિધાઓ, સ્વચ્છતા, પીવાનું પાણી, ગટર વ્યવસ્થા અને આરોગ્ય સેવાઓ જેવી સુવિધાઓ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પહોંચાડવાથી ગરીબ અને વંચિત વર્ગના નાગરિકોના જીવનમાં ગુણવત્તાત્મક સુધારો આવ્યો છે.
તાજેતરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરતને રાજ્યનું પ્રથમ સ્લમ ફ્રી મહાનગર બનાવવાની દિશામાં વધુ અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા. સાથે સાથે, સુરતની સફળતા પરથી પ્રેરણા લઈને રાજ્યના અન્ય નગરો અને મહાનગરોને પણ સ્લમ ફ્રી બનાવવાની દિશામાં આયોજનબદ્ધ પ્રયાસો હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી.
આ બાબતની માહિતી આપતાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, સુરતમાં અપનાવવામાં આવેલા મોડલથી સાબિત થાય છે કે યોગ્ય આયોજન, મજબૂત રાજકીય ઇચ્છાશક્તિ અને જનભાગીદારીથી સ્લમ સમસ્યાનો ટકાઉ ઉકેલ શક્ય છે. તેમણે ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર શહેરી ગરીબોને ગૌરવભર્યું જીવન, સુરક્ષિત આવાસ અને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે.
સુરત શહેરે શહેરી વિકાસ, સ્વચ્છતા અને આવાસ ક્ષેત્રે હાંસલ કરેલી પ્રગતિ હવે સમગ્ર રાજ્ય માટે માર્ગદર્શક બની રહી છે. દેશનું પ્રથમ સ્લમ ફ્રી સિટી બનવાની દિશામાં સુરતની આ યાત્રા માત્ર એક શહેરની સિદ્ધિ નહીં, પરંતુ “સર્વાંગી વિકાસ અને સર્વસમાવેશી વિકાસ”ના ગુજરાત મોડલનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે.





