
જૂનાગઢ જિલ્લામાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવા તેમજ નવી રોજગાર તકોનું વિસ્તરણ કરવા માટે આગામી 19 જાન્યુઆરીએ જિલ્લા વિબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટના માધ્યમથી જિલ્લામાં મૂડીરોકાણ વધારવા, સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને યુવાનો માટે સ્વરોજગાર તથા રોજગારના નવા માર્ગો ખોલવાનો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો છે.
જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રણવાસિયાએ જિલ્લા વિબ્રન્ટ સમિટ અંગેની પૂર્વ તૈયારી બેઠકમાં ઉદ્યોગકારોને જૂનાગઢ જિલ્લામાં મહત્તમ મૂડીરોકાણ કરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં પર્યટન, ખાસ કરીને ધાર્મિક પર્યટન, તેમજ એગ્રો પ્રોસેસિંગ ક્ષેત્રમાં વિશાળ શક્યતાઓ રહેલી છે. આ ક્ષેત્રોને કેન્દ્રમાં રાખીને ઉદ્યોગો વિકસાવવામાં આવે તો સ્થાનિક સ્તરે મોટા પ્રમાણમાં રોજગાર સર્જન શક્ય બનશે.
કલેક્ટરશ્રીએ જિલ્લાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને મેડિકલ, રિયલ એસ્ટેટ સહિતના વિવિધ ક્ષેત્રોમાં પણ મૂડીરોકાણ આકર્ષવા અંગે ચર્ચા કરી હતી. સાથે સાથે નવીન વિચારો સાથે સ્ટાર્ટઅપ શરૂ કરવા, નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને વિકસાવવા માટે જિલ્લા વિબ્રન્ટ સમિટમાં વિશેષ ચર્ચા અને માર્ગદર્શન આપવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. યુવા વર્ગ અને વિદ્યાર્થીઓને નવીન વિચારોથી સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરવા તથા જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવા પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
જિલ્લા કલેક્ટરે વિવિધ વિભાગોના અધિકારીઓને તેમના વિભાગ સાથે સંકળાયેલા ક્ષેત્રોમાં વધુ રોકાણ આવે અને વધુ એમઓયુ થાય તે માટે વિશેષ પ્રયત્નો કરવા સૂચના આપી હતી. જિલ્લા વિબ્રન્ટ સમિટ દરમિયાન ઉદ્યોગોને પ્રેરણા આપવા માટે પ્રદર્શન (એક્ઝિબિશન) પણ યોજાશે, જેમાં સ્થાનિક ઉત્પાદનો સહિત વિવિધ ઉદ્યોગોના ઉત્પાદનો સ્ટોલ મારફતે રજૂ કરવામાં આવશે.
આ સમિટમાં હોટેલ એસોસિએશન, જીઆઈડીસી એસોસિએશન, ચેમ્બર ઓફ કોમર્સ સહિતની વિવિધ સંસ્થાઓ જોડાશે. જેના દ્વારા જિલ્લામાં ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપવા માટે ચર્ચા અને પરામર્શ થશે. આ ઉપરાંત ઔદ્યોગિક વિકાસને ગતિ આપવા માટે વિવિધ વિષયો પર સેમિનારોનું આયોજન કરવામાં આવશે, જેમાં નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
આ આયોજન બેઠકમાં કમિશનર શ્રી તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ. પી. પટેલ, જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરા, નિવાસી અતિરિક્ત કલેક્ટર શ્રીમતી બી. એસ. બાર્ડ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા વિબ્રન્ટ સમિટ જૂનાગઢ જિલ્લાના સર્વાંગી ઔદ્યોગિક વિકાસ માટે એક મહત્વપૂર્ણ મંચ સાબિત થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.





