
તાપી જિલ્લામાં જળસંચય અને કૃષિ વિકાસને પ્રોત્સાહન આપતા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ રૂપે ડોલવણ ખાતે નિર્માણાધીન એર-ફિલ્ડ રબર ડેમની રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ ડેમની પ્રગતિ, પાણી સંગ્રહ ક્ષમતા અને ખેડૂતોને મળનારા લાભ અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રબર ડેમ જેવી આધુનિક ટેક્નોલોજી પાણી સંચય માટે અત્યંત અસરકારક અને ખર્ચ અસરકારક સાબિત થઈ રહી છે. આ પ્રકારના પ્રોજેક્ટો દ્વારા ઓછા ખર્ચે વધુ પાણી સંગ્રહ શક્ય બને છે, જે કૃષિ આધારિત વિસ્તારો માટે આશીર્વાદરૂપ છે. ખાસ કરીને તાપી જિલ્લામાં ભૂગર્ભ જળસ્તર સુધારવા અને ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ કરાવવા માટે આ ડેમ મહત્વપૂર્ણ સાબિત થશે.
અધિકારીઓએ મંત્રીશ્રીને ડેમના ટેક્નિકલ પાસાઓ, પાણીના વહેણનું સંચાલન અને જળસંચયના ફાયદાઓ અંગે વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ પ્રોજેક્ટ અંબિકા નદી પર ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામ નજીક બનાવવામાં આવી રહ્યો છે, જેમાં રબરના માળખાને હવામાં ભરીને પાણી સંગ્રહ કરવામાં આવે છે અને જરૂર મુજબ તેને ખાલી પણ કરી શકાય છે.
લગભગ રૂ. 99.96 કરોડના ખર્ચે બનતો આ પ્રોજેક્ટ હાલમાં પ્રગતિના તબક્કામાં છે અને અત્યાર સુધીમાં આશરે 30 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આ ડેમ દ્વારા અંદાજે 3.50 MCM પાણીનો સંગ્રહ થશે, જેનાથી આશરે 650 હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી મળશે. સાથે સાથે આસપાસના ગામોમાં પીવાના પાણીની સમસ્યા પણ મોટા પ્રમાણમાં હળવી થશે.
આ પ્રસંગે મોહનભાઈ ઢોડિયા સહિત સ્થાનિક આગેવાનો અને સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટ તાપી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ કડી સાબિત થવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો.





