
દાહોદ જિલ્લાના પ્રવાસન સ્થળોને વધુ વિકસિત કરી પ્રવાસીઓને આધુનિક અને ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવાના હેતુસર ઇન્સ્પેક્શન બંગલો, રતનમહાલ (ધાનપુર) ખાતે જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં દાહોદ જિલ્લાની કુદરતી, ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહરને પ્રવાસનના માધ્યમથી પ્રોત્સાહન આપવાની દિશામાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠક દરમિયાન રતનમહાલ વન્યજીવ અભયારણ્ય અને ઉધલમહુડા કેમ્પસાઈટ, વહેવારિયો ડુંગર, ઘડો ડુંગર, નળધા કેમ્પસાઈટ, સાગટાળા, સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ, ટ્રાયબલ મ્યુઝિયમ, શિવ મંદિર બાવકા, રામપુરા ઘાસ વીડી, કેદારેશ્વર મંદિર ચોસાલા, ગુરુ ગોવિંદધામ કંબોઈ તથા હોલ્કાધર ધોધ જેવા મુખ્ય પ્રવાસન સ્થળોના વિકાસ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લો કુદરતી જંગલો, નદી-નાળા, ઘાસના મેદાનો, ધોધ-ઝરણાં અને વન્ય સંપત્તિથી સમૃદ્ધ છે. જો પ્રવાસીઓ માટે રહેવા-જમવાની સુવિધા, સુરક્ષા વ્યવસ્થા, આવવા-જવાની સુલભ વ્યવસ્થા, એડવેન્ચર પ્રવૃત્તિઓ અને માર્ગદર્શન માટે ગાઈડની વ્યવસ્થા સુસંગત રીતે ઊભી કરવામાં આવે તો સ્થાનિક ગ્રામજનોને રોજગારી મળશે અને માઇગ્રેશનમાં નોંધપાત્ર ઘટાડો થશે. આ સાથે દાહોદ જિલ્લો રાજ્યના મહત્વપૂર્ણ પ્રવાસન આકર્ષણ તરીકે ઉભરી શકે તેમ છે.
બેઠકમાં સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ ખાતે જિલ્લાની લોકવારસો, પરંપરાગત કલા, સંગીત, નૃત્ય, હસ્તકલા અને સ્થાનિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે “છાબ મહોત્સવ”ના આયોજનનો પ્રસ્તાવ કરવામાં આવ્યો. ઉપરાંત, સ્થાનિક નાગરિકોને ટુરીસ્ટ ગાઈડ તરીકે તાલીમ આપવી, પર્યટન વિભાગ દ્વારા સફારી માટે નવા વાહનોની વ્યવસ્થા કરવી અને રતનમહાલ અભયારણ્યમાં વન વિભાગ દ્વારા જંગલ સફારી શરૂ કરવાની ચર્ચા કરવામાં આવી.
ડુંગરો અને કુદરતી સ્થળોએ એડવેન્ચર સ્પોર્ટ્સ જેમ કે ટ્રેકીંગ, રોક ક્લાઈમ્બીંગ, રેપેલિંગ, કેમ્પિંગ, હોટ એર બલૂન, પેરા ગ્લાઈડીંગ, ઝીપ લાઈન, ફ્લાય બોર્ડ અને જેટ સ્કી જેવી પ્રવૃત્તિઓ વિકસાવવા તેમજ કેમ્પ સાઈટ પર રાત્રિ રોકાણ માટે સુવિધાઓ ઊભી કરવા અંગે પણ મહત્વપૂર્ણ સૂચનો કરવામાં આવ્યા.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર, ઝાલોદ ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયા, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી સ્નેહલભાઈ ધરીયા સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.





