
આદિવાસી સંસ્કૃતિની અનમોલ ધરોહર સમાન છોટાઉદેપુર જિલ્લામાં હોળીના પર્વને વિશેષ મહત્વ આપવામાં આવે છે. દિવાળી કરતાં પણ હોળીના તહેવારને વધુ પ્રાથમિકતા આપતા આદિવાસી સમાજ દ્વારા પરંપરાગત ‘ભંગોરિયા’ મેળો આ વર્ષે પણ ભવ્ય રીતે ઉજવાયો. શહેરના હૃદયસ્થાને યોજાયેલા આ મેળામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
આ પ્રસંગે છોટાઉદેપુરના સાંસદ શ્રી જશુભાઈ રાઠવા પરંપરાગત આદિવાસી પહેરવેશમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રામઢોલ વગાડીને સ્થાનિક નૃત્ય મંડળીઓ સાથે તાલ મિલાવ્યો અને આદિવાસી યુવાનો સાથે ઝૂમી ઉઠ્યા. સાંસદશ્રીની આ સહભાગીતાએ મેળાના ઉત્સાહમાં વધારો કર્યો અને સ્થાનિક સમાજમાં ગૌરવની લાગણી પ્રગટ થઈ.
છોટાઉદેપુર જિલ્લામાં અંદાજે ૧૦૯ વર્ષથી ભંગોરિયા મેળો ભરાતો આવ્યો છે, જે આજે પણ સમાન ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ઉજવાય છે. શનિવારે યોજાયેલા ભંગોરિયા હાટમાં આસપાસના અંતરિયાળ ગામોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. મેળાનું મુખ્ય આકર્ષણ વિવિધ ગામોની નૃત્ય મંડળીઓ રહી હતી. પુરુષો અને મહિલાઓ પરંપરાગત વસ્ત્રો અને આભૂષણોથી સજ્જ થઈ લોકનૃત્યો રજૂ કરતા નજરે પડ્યા હતા.
સમગ્ર નગરમાં રામઢોલ અને ત્રાંસાના ગાજતા નાદ સાથે લોકનૃત્યોની મોજ જામતી જોવા મળી હતી. માદળ અને પરંપરાગત વાદ્યોના સંગાથે રજૂ થયેલા નૃત્યોમાં આદિવાસી સંસ્કૃતિની એકતા, ઉમંગ અને ગૌરવ સ્પષ્ટપણે પ્રતિબિંબિત થયું હતું.
ભંગોરિયા મેળો માત્ર તહેવાર નથી, પરંતુ આદિવાસી સમાજની સાંસ્કૃતિક ઓળખ અને પરંપરાનો જીવંત ઉત્સવ છે. યુવા પેઢીથી લઈ વડીલો સુધી સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને આ અનોખા પર્વને સફળ બનાવ્યો. પરંપરા, લોકકલા અને સામૂહિક આનંદનો અદભૂત સમન્વય દર્શાવતા આ ભંગોરિયા મેળાએ છોટાઉદેપુરને રંગ અને સંગીતથી રંજિત કરી દીધું.





