
રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી તેમજ જુનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ આજે વહેલી સવારે ૪૦મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનો ફ્લેગ ઓફ આપી ભવ્ય પ્રારંભ કરાવ્યો હતો. ગુલાબી ઠંડી વચ્ચે યોજાયેલી આ ઐતિહાસિક અને સાહસિક સ્પર્ધામાં રાજ્યભરના કુલ ૧૧૧૫ સ્પર્ધકોએ ઉત્સાહ, જોમ અને જુસ્સા સાથે ગિરનાર પર્વત સર કરવા માટે દોટ મૂકી હતી.
ફ્લેગ ઓફ કાર્યક્રમ દરમિયાન પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ સ્પર્ધકોનું ઉત્સાહવર્ધન કરી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. આ અવસરે તેમની સાથે જુનાગઢના મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન શ્રીમતી પલ્લવીબેન ઠાકર, જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, મ્યુનિસિપલ કમિશનર શ્રી તેજસ પરમાર, જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરા, શાસક પક્ષના નેતા શ્રી મનનભાઈ અભાણી, દંડક શ્રી કલ્પેશ અજવાણી, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી નીતાબેન વાળા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલીયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે ૪૦મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ‘ફિટ ઈન્ડિયા’ અને ‘ખેલે ગુજરાત’ અભિયાનને સાચા અર્થમાં સાર્થક કરે છે. આવી સ્પર્ધાઓથી યુવાનોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ, સાહસિકતા, શિસ્ત અને આત્મવિશ્વાસ વિકસે છે. તેમણે ઉમેર્યું હતું કે ૨૦૩૦માં અમદાવાદ ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખી રાજ્યમાંથી નવા અને પ્રતિભાશાળી ખેલાડીઓ તૈયાર થશે.
મંત્રીશ્રીએ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને બિરદાવતાં અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી. તેમણે માહિતી આપી કે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંચાલિત આ સ્પર્ધા ગિનિઝ બુક ઓફ રેકોર્ડ્સ તથા લીમકા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવી ચૂકી છે. આ વર્ષે સ્પર્ધાનું લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવ્યું હતું તેમજ ટેકનોલોજીનો પણ વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ૧૯૭૧માં ફૂલછાબ દૈનિક દ્વારા શરૂ થયેલી આ પરંપરાગત સ્પર્ધા ૧૯૯૬થી ગુજરાત સરકાર દ્વારા નિયમિત રીતે યોજવામાં આવી રહી છે. સિનિયર-જુનિયર પુરુષ સ્પર્ધકો માટે અંબાજી સુધીના ૫૫૦૦ પગથિયાં અને સિનિયર-જુનિયર મહિલા સ્પર્ધકો માટે માળી પરબ સુધીના ૨૨૦૦ પગથિયાંની સ્પર્ધા યોજાય છે. ગિરનારની ગૌરવભરી પરંપરા અને ખેલાડીઓની અડગ હિંમત આ સ્પર્ધાને વિશેષ ઓળખ અપાવે છે.





