
તાપી જિલ્લાના ઊચ્છલ તાલુકાની ગીરાબેન કોટવાડિયા બાંસ કળા દ્વારા આત્મનિર્ભર બનવાના સંકલ્પ સાથે આગળ વધી રહી છે. છેલ્લા 15 વર્ષથી પરંપરાગત બાંસ કળા સાથે જોડાયેલી ગીરાબેન આજે નવજાગૃતિ સખી મંડળ સાથે જોડાયા બાદ આધુનિક તાલીમ મેળવી પોતાની કળાને નવી ઓળખ આપી રહી છે.ગીરાબેન બાંસમાંથી વિવિધ આકર્ષક ડેકોરેટિવ આઈટમ્સ તેમજ ઓફિસ ઉપયોગી સામાન તૈયાર કરે છે. અગાઉ તેઓ પરંપરાગત ડિઝાઇન અને સ્થાનિક બજારમાં મર્યાદિત વેચાણ સુધી સીમિત હતાં, પરંતુ નવજાગૃતિ સખી મંડળ દ્વારા આપવામાં આવેલી તાલીમ અને માર્ગદર્શનથી તેઓ હવે આધુનિક ડિઝાઇન, ગુણવત્તા સુધારણા અને બજાર જોડાણ વિશે વધુ માહિતગાર બન્યાં છે.આધુનિક તાલીમથી ગીરાબેનને નવા પ્રકારના પ્રોડક્ટ્સ બનાવવા પ્રેરણા મળી છે, જેમ કે પેન સ્ટેન્ડ, ફાઈલ હોલ્ડર, લેમ્પ શેડ, ગિફ્ટ આઈટમ્સ અને ઘર સજાવટ માટેની અનેક નવીન વસ્તુઓ. તેમની બનાવટમાં પરંપરાગત કળાનો સ્પર્શ સાથે આધુનિકતાનો સુમેળ જોવા મળે છે, જેના કારણે તેમના ઉત્પાદનોને બજારમાં સારી માંગ મળી રહી છે.ગીરાબેન જણાવે છે કે યોગ્ય દિશા, તાલીમ અને પ્રોત્સાહન મળે તો પરંપરાગત કળા માત્ર શોખ ન રહી, પરંતુ સમગ્ર સમાજના જીવનનિર્વાહનું મજબૂત સાધન બની શકે છે. સખી મંડળ સાથે જોડાયા બાદ તેમની આવકમાં વધારો થયો છે અને તેઓ પરિવારના આર્થિક સશક્તિકરણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.સરકાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા આપવામાં આવતી તાલીમ અને સહાય યોજનાઓ ગ્રામિણ મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. બાંસ કળા જેવી પરંપરાગત હસ્તકલા આજે આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે મહત્વપૂર્ણ બની રહી છે.ગીરાબેન કોટવાડિયાની સફળતા કથા દર્શાવે છે કે જ્યારે પરંપરાગત કળાને યોગ્ય માર્ગદર્શન અને બજાર મળે, ત્યારે તે માત્ર વ્યક્તિ નહીં પરંતુ સમગ્ર સમુદાય માટે વિકાસનો માર્ગ બનાવી શકે છે.





