
સમાજમાં આયુર્વેદિક ભસ્મ વિશે અનેક ભ્રમ અને ગેરસમજ ફેલાયેલી છે, પરંતુ હકીકતમાં ભસ્મ બનાવવાની પદ્ધતિ ભારતના પ્રાચીન ઋષિમુનિઓના ઊંડા વૈજ્ઞાનિક જ્ઞાનનું અનોખું ઉદાહરણ છે. આજના આધુનિક વિજ્ઞાનમાં નેનો ટેકનોલોજીની ચર્ચા થાય છે, ત્યારે આયુર્વેદ શાસ્ત્ર હજારો વર્ષોથી અતિસૂક્ષ્મ કણો દ્વારા વિવિધ રોગોના ઉપચારની ક્ષમતા ધરાવે છે. જોકે, ભસ્મનો ઉપયોગ હંમેશા યોગ્ય પરેજી અને નિષ્ણાત વૈદ્યની સલાહ મુજબ જ કરવો જરૂરી છે.
જૂનાગઢ આયુર્વેદ કોલેજના રસશાસ્ત્ર અને ભૈષજ્ય કલ્પના વિભાગના ડો. રાહુલ શિંગાડીયા જણાવે છે કે આયુર્વેદ મુજબ સૃષ્ટિમાં એવી કોઈ વસ્તુ નથી જેમાં ઔષધીય ગુણ ન હોય. શંખ, છીપલા, કાચબા-કરચલાની ઢાલ તેમજ સોનું, ચાંદી, લોખંડ જેવી ધાતુઓ અને ખનીજોમાંથી ભસ્મ તૈયાર કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં ધાતુઓને વારંવાર શુદ્ધિકરણ, ઉષ્ણતાપ પ્રક્રિયા અને વનસ્પતિ રસ સાથે સંયોજન દ્વારા નિર્ધારિત શાસ્ત્રીય પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે. યોગ્ય રીતથી બનેલી ભસ્મ જ આરોગ્ય માટે લાભદાયી બને છે.
ડો. શિંગાડીયાના જણાવ્યા મુજબ, ભસ્મ યોગ્ય માત્રા અને માર્ગદર્શન વગર લેવાય તો શરીરમાં વિષ સમાન અસર કરી શકે છે. તેથી સોશિયલ મીડિયા અથવા અપૂર્ણ માહિતી પરથી પ્રેરાઈ સ્વઉપયોગ કરવો જોખમી સાબિત થઈ શકે છે. શાસ્ત્રીય પદ્ધતિથી તૈયાર થયેલી અને પ્રમાણિત દવાઓ જ લેવી જોઈએ.
આયુર્વેદમાં સુવર્ણ ભસ્મથી બનેલું સુવર્ણ પ્રાશન બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ બને છે. લોહ ભસ્મ એનિમિયા અને કમળા જેવા રોગોમાં ઉપયોગી છે. શંખ અને છીપલાની ભસ્મ કેલ્શિયમ પૂરક તરીકે કાર્ય કરે છે, જ્યારે ટીન ભસ્મ ડાયાબિટીસ જેવા રોગોમાં ઉપયોગી ગણાય છે.
તાજેતરમાં કોલેજ ખાતે આયોજિત આયુષ મેળામાં ભસ્મ સહિતની ઔષધીય બનાવટોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આયુષ નિયામક શ્રી જયેશ પરમાર, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ તથા અનેક નાગરિકોએ મુલાકાત લઈને આયુર્વેદ વિષયક માહિતી મેળવી હતી.





