
કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી Mansukh Mandaviyaએ ઘેડ પંથકમાં વર્ષોથી ચાલી આવતી વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે હાથ ધરાયેલી કામગીરીનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. મંત્રીશ્રીએ ફુલરામા અને મેખડી ગામ નજીક નદીઓ ઊંડી ઉતારવા સહિત ચાલી રહેલી કામગીરીનું અવલોકન કર્યું હતું. ત્યારબાદ કેશોદ પ્રાંત કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી ઘેડ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટે હાથ ધરાયેલી વિવિધ યોજનાઓ અને કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી.
બેઠક દરમિયાન મંત્રીશ્રીએ Junagadh district અને Porbandar districtમાં પ્રથમ તબક્કામાં કરવામાં આવેલી કામગીરીની પ્રગતિ અંગે માહિતી મેળવી હતી. સાથે જ બીજા તબક્કા એટલે કે ફેઝ-૨ હેઠળ કરવામાં આવનાર કામગીરીના આયોજન અંગે પણ ચર્ચા કરી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રીએ વિકાસ કાર્યોમાં ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ન કરવા માટે અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સ્થળ પર જઈ નિરીક્ષણ કરવાથી જ સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ શક્ય બને છે. તેથી સંલગ્ન અધિકારીઓને સમયાંતરે સ્થળ મુલાકાત લેવાની તથા કામગીરીની સતત દેખરેખ રાખવાની સૂચના આપી હતી. ઉપરાંત તમામ વિકાસ કાર્યો નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તેની પણ ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું.
ઘેડ વિસ્તારમાં વરસોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે નદીઓના વહેણને ઊંડા અને પહોળા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત નદીઓ આસપાસના જાડી જાખરા દૂર કરવાનું, નદી કાંઠાને મજબૂત બનાવવા પ્રોટેક્શન વોલ ઉભા કરવાના તેમજ અન્ય જરૂરી કામો તબક્કાવાર હાથ ધરાશે.
મંત્રીશ્રીએ સિંચાઈ વિભાગ ઉપરાંત પંચાયત વિભાગ હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે પણ અધિકારીઓને ખાસ સૂચનાઓ આપી હતી. આ સાથે નેશનલ હાઈવે હેઠળના રોડ અને પરિવહન સંબંધિત પ્રશ્નોની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકની શરૂઆતમાં જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ મંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય દેવાભાઈ માલમ, કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.





