
ભાવનગર જિલ્લાના હણોલ ગામે આત્મનિર્ભર હણોલ મહોત્સવ અંતર્ગત ભવ્ય રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મોટી સંખ્યામાં ગ્રામજનો, સામાજિક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. રાજ્યપાલશ્રીએ પોતાના સંબોધનમાં ગ્રામ વિકાસ, સામાજિક સમરસતા અને આત્મનિર્ભરતાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
રાજ્યપાલશ્રીએ હણોલ ગામના નાગરિકોને વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, નશામુક્ત સમાજના નિર્માણ અને સામાજિક સમરસતા માટે સંકલ્પ લેવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે પર્યાવરણનું સંરક્ષણ અને સ્વચ્છતા એ સ્વસ્થ સમાજની પાયારેખા છે. વધુમાં, નશામુક્ત જીવન અપનાવવાથી પરિવાર અને સમાજ બંને મજબૂત બને છે.
પોતાના પ્રવચનમાં રાજ્યપાલશ્રીએ સ્વસ્થ પશુપાલન અને પ્રાકૃતિક ખેતીની આવશ્યકતા પર પણ વિશેષ ધ્યાન દોર્યું. તેમણે કહ્યું કે પ્રાકૃતિક ખેતી અને ઉત્તમ પશુપાલન દ્વારા પોષક અને શુદ્ધ આહાર પ્રાપ્ત થાય છે, જેનાથી બાળકો તંદુરસ્ત અને મજબૂત બને છે. આવનારી પેઢી સ્વસ્થ બને તે માટે આવા પ્રયાસો આજના સમયમાં અત્યંત જરૂરી છે, તેમ તેમણે ઉમેર્યું.
રાત્રિ સભા બાદ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાથે અનુસૂચિત જાતિના અગ્રણી શ્રી બાબુભાઈ સોલંકીના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. ત્યાં તેઓએ શ્રી સોલંકીના પરિવારજનો સાથે સહભોજન કર્યું, જે સામાજિક સમરસતા અને સૌહાર્દનો ઉત્તમ સંદેશ આપતું દ્રશ્ય બન્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમ દ્વારા આત્મનિર્ભર ભારત, ગ્રામ વિકાસ અને સામાજિક એકતાનો સંદેશ લોકો સુધી પહોંચ્યો. હણોલ મહોત્સવ ગ્રામજનો માટે પ્રેરણાસ્રોત બન્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.





