પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો રિલીઝ: જૂનાગઢ જિલ્લાના 1.42 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં ₹29.63 કરોડથી વધુ સહાય જમા


વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો રિલીઝ કર્યો હતો. આ યોજનાના અંતર્ગત જૂનાગઢ જિલ્લાના આશરે 1,42,339 ખેડૂતોના બેંક ખાતામાં પ્રતિ ખેડૂત રૂ. 2000 મુજબ કુલ રૂ. 29.63 કરોડથી વધુની સહાય ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) મારફતે જમા કરવામાં આવી હતી.

આ પ્રસંગે જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના દાત્રાણા ગામે જિલ્લા કક્ષાના “મિલેટ મહોત્સવ” અને “પીએમ કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમરના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ખેડૂતોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલ પ્રેરક સંબોધનનું જીવંત પ્રસારણ પણ નિહાળ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન મિલેટ્સ આધારિત વિવિધ વાનગીઓ, કૃષિ ઉત્પાદનો અને આધુનિક કૃષિ સાધનોના સ્ટોલનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. ખેડૂતોને મિલેટ્સ પાકોના પોષણમૂલ્ય અને પ્રાકૃતિક ખેતીના મહત્વ અંગે માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને સીધી સહાય મળે તે માટે પારદર્શક વ્યવસ્થા ઉભી કરી છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા સહાયની રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થતી હોવાથી ખેડૂતોને મોટી સહાય મળી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોની સાથે રહી છે. કુદરતી આપદાઓ દરમિયાન ખેડૂતોને ભારે નુકસાન થયું ત્યારે રાજ્ય સરકારે ઐતિહાસિક રૂ. 10 હજાર કરોડનું પેકેજ જાહેર કરીને ખેડૂતોને મોટી રાહત આપી હતી. ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે માટે મગફળી, તુવેર જેવા પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે.

તેમણે ઉમેર્યું હતું કે ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીથી લઈને ખાતરની ખરીદી સુધી વિવિધ ક્ષેત્રોમાં સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે તેમજ ખેડૂતો માટે રૂ. 4 લાખ સુધીનો અકસ્માત વીમો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. જ્યોતિગ્રામ યોજના હેઠળ ગામડાઓમાં 24 કલાક વીજળી ઉપલબ્ધ થવાથી ખેતી અને ગ્રામ વિકાસને નવી ગતિ મળી છે.

કાર્યક્રમ દરમિયાન કૃષિ વૈજ્ઞાનિક ડો. ડી.આર. વઘાસિયાએ હવામાન અને મિલેટ્સ પાક અંગે માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત પ્રગતિશીલ ખેડૂત શ્રી દિલીપભાઈ ફળદુ અને શ્રી જમનભાઈ ટાંકે પ્રાકૃતિક ખેતીના મહત્વ અને તેના મૂલ્યવર્ધન અંગે ઉપયોગી માહિતી આપી હતી.

કાર્યક્રમની શરૂઆત જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જીગર ભટ્ટના સ્વાગત પ્રવચનથી થઈ હતી અને નાયબ ખેતી નિયામક તાલીમ શ્રી ડી.જી. રાઠોડે આભારવિધિ વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે મિલેટ ડેવલપમેન્ટ યોજના અંતર્ગત જિલ્લામાં મેંદરડા ઉપરાંત કેશોદ, માંગરોળ, માળીયા હાટીના, માણાવદર, વિસાવદર, ભેસાણ અને વંથલી ખાતે પણ મિલેટ મેળાઓ યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને નાગરિકોએ ભાગ લીધો હતો.

આ પ્રસંગે અગ્રણી શ્રી રાકેશભાઈ ગોહિલ સહિત સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *