
કચ્છ જિલ્લાના મમુઆરા ખાતે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને રૂ. 8 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિસ્તારના વિકાસને નવી દિશા આપતા અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનો આરંભ કરવામાં આવ્યો હતો.
રાજ્યમંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નાગરિકોના કલ્યાણ અને સુખાકારી માટે સતત પ્રયત્નશીલ છે. તેમણે ઉમેર્યું કે સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓના કારણે લોકોના જીવનસ્તરમાં નોંધપાત્ર સુધારો થયો છે. ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકાર દ્વારા શાળા બિલ્ડિંગ, નવા વર્ગખંડ અને અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે જેથી વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ મળી રહે.
આ પ્રસંગે કરવામાં આવેલા વિકાસ કાર્યોમાં મમુઆરા પાટિયાથી ગામ સુધી એપ્રોચ રોડ, માધ્યમિક શાળા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત, માઈનોર ઇરીગેશનના રેસ્ટોરેશન વર્ક સહિતના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ડીએમએફ અને અન્ય સરકારી યોજનાઓ અંતર્ગત પણ વિકાસ કામો હાથ ધરવામાં આવ્યા છે. રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કોઈપણ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે રોડ, પાણી, શિક્ષણ, આરોગ્ય અને સિંચાઈ જેવી મૂળભૂત સુવિધાઓ અત્યંત જરૂરી છે.
તેમણે નાગરિકોને આ વિકાસ કાર્યોમાં સહભાગી બનીને ગુણવત્તા જાળવવામાં સહકાર આપવા અનુરોધ કર્યો હતો. સાથે જ તાજેતરમાં બોર્ડ પરીક્ષાઓ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા બદલ શિક્ષણ વિભાગની પ્રશંસા કરી હતી અને સીએસઆર પ્રવૃત્તિઓ માટે ખાનગી સંસ્થાઓના યોગદાનને પણ બિરદાવ્યું હતું.
જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમારે જણાવ્યું હતું કે મમુઆરા ખાતે હાઈસ્કૂલની સ્થાપનાથી વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં કચ્છ જિલ્લામાં 27 માધ્યમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી છે અને શિક્ષકોની ઘટને પણ દૂર કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા સ્તરના અગ્રણીઓ, અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર પૂર્ણ થયો હતો અને વિકાસ કાર્યોને લઈ સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી હતી.





