
જૂનાગઢ ખાતે આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર દ્વારા આયોજિત સાત દિવસીય ‘સ્પેશિયલ એડવેન્ચર કોર્સ’નો પૂર્ણાહુતિ કાર્યક્રમ ઉજવણીસભર વાતાવરણમાં યોજાયો હતો. ગત 17 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ વિશેષ કોર્સમાં રાજ્યના વિવિધ 11 જિલ્લાઓમાંથી 45 થી 65 વર્ષની વયના કુલ 32 ભાઈ-બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને પર્વતારોહણ તેમજ ખડક ચઢાણની પાયાની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.
રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સંચાલિત આ તાલીમ કેન્દ્ર ખાતે યોજાયેલા સમાપન સમારોહમાં સામાન્ય વહીવટી વિભાગના નાયબ સચિવ (તાલીમ) શ્રી રાજેન્દ્રસિંહ રાઠોડ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું કે પ્રકૃતિ સાથેનો સાનિધ્ય માનવ જીવનમાં આત્મિક શાંતિ અને નવી ઉર્જા પ્રદાન કરે છે. તેમણે તાલીમાર્થીઓને પ્રકૃતિ પ્રત્યે લાગણી વધારવા અને પર્યાવરણ સંરક્ષણ માટે સક્રિય બનવા પ્રેરણા આપી.
આ પ્રસંગે Sardar Patel Institute of Public Administration (SPIPA) પ્રાદેશિક તાલીમ કેન્દ્રની જોઈન્ટ ડાયરેક્ટર શ્રીમતી મનીષા પટેલે આ અભિયાનની પ્રશંસા કરતાં જણાવ્યું કે આવી પ્રવૃત્તિઓ વયસ્ક નાગરિકોમાં નવી ઊર્જા અને આત્મવિશ્વાસ જગાવે છે, તેથી દર વર્ષે આવા કોર્સનું આયોજન થવું જોઈએ.
તાલીમાર્થીઓમાં શ્રી વિજયકુમાર ઠક્કર અને શ્રીમતી મીનાબેન ઠક્કરે પોતાના અનુભવો વહેંચતાં જણાવ્યું કે મોટી ઉંમરે પણ પર્વતારોહણ જેવી સાહસિક પ્રવૃત્તિઓમાં જોડાવાથી તેઓ શારીરિક અને માનસિક રીતે વધુ મજબૂત બન્યા છે.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તમામ 32 તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ શ્રી ઉપેન્દ્રસિંહ રાઠોડે સ્વાગત પ્રવચન આપ્યું, જ્યારે શ્રી કે.પી. રાજપૂતે શિબિરની પ્રવૃત્તિઓનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો. કાર્યક્રમનું સંચાલન શ્રી કાંતિલાલ બી. મકવાણાએ કર્યું અને આભારવિધિ માનદ ઇન્સ્ટ્રક્ટર શ્રી પ્રદીપકુમારે વ્યક્ત કરી.
આ એડવેન્ચર કોર્સને સફળ બનાવવા માઉન્ટ આબુના શ્રી અંબર વિષ્ણુ, રાજસ્થાનના શ્રી પ્રદીપકુમાર અને બનાસકાંઠાની શ્રીમતી જીનલકુંવર સોલંકીએ માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે મહત્વપૂર્ણ સેવા આપી હતી.





