
જામનગર: જામનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ યોજનાના અંતર્ગત જિલ્લામાં સતત વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કડીમાં જામનગર જિલ્લા પંચાયત ખાતે PC & PNDT એક્ટ–1994 અંગે વિશેષ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, જામનગરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
સેમિનારમાં મુખ્ય અધ્યક્ષ તરીકે શ્રી એ.એમ. શુકલ (સચિવ – અતિરિક્ત સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ) ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉપસ્થિત તમામ તબીબી અધિકારીઓને દીકરીના અસ્તિત્વના સંરક્ષણ માટે દ્રઢ સંકલ્પ લેવા અને સમાજમાં લિંગ સમાનતાનો સંદેશ ફેલાવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ટેક્નોલોજીનો ઉપયોગ માનવ કલ્યાણ માટે થવો જોઈએ અને જ્યારે તેનો દુરુપયોગ સમાજ માટે ઘાતક બનતો હોય ત્યારે PC & PNDT એક્ટ જેવા કડક કાયદા જરૂરી બની જાય છે.
કાર્યક્રમ દરમિયાન PC & PNDT એક્ટ–1994 અંતર્ગત થયેલા કાનૂની સુધારા, નિયમો અને અમલ પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. લિંગ પસંદગી આધારિત ગર્ભપાત અટકાવવો અને ગર્ભમાં દીકરીની હત્યા રોકવી એ આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું હતું. તબીબી વ્યવસાયમાં જોડાયેલા તમામ ડૉક્ટરો અને આરોગ્ય કર્મચારીઓની જવાબદારી પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ અવસરે ઉપસ્થિત તબીબી અધિકારીઓને માર્ગદર્શક કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જેથી તેઓ પોતાના કાર્યસ્થળે કાયદાના નિયમોનું પાલન સુનિશ્ચિત કરી શકે. કાર્યક્રમમાં ડૉ. શ્રીનુપુર પ્રસાદ (CDHO), ડૉ. પંકજકુમાર સિંહ (DTO), ડૉ. રાજેશ ગુપ્તા (ADHO), ડૉ. જયેશ પટેલ (EMO), શ્રી નીરજ મોદી (DIECO), શ્રી યજ્ઞેશ ખરેચા (DPC), શ્રી બંસી ખોડિયાર (DMC, DHEW), તમામ તબીબી અધિકારીઓ તેમજ OSC સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
આ જાગૃતિ સેમિનાર દ્વારા તબીબી ક્ષેત્રમાં કાર્યરત વ્યાવસાયિકોમાં PC & PNDT એક્ટ અંગે જ્ઞાન વધારવામાં આવ્યું તેમજ દીકરી બચાવવાની દિશામાં સામૂહિક જવાબદારીની ભાવના મજબૂત બનવા તરફ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું હતું.





