
તા. 21 ફેબ્રુઆરીના વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ધરમપુર તાલુકાના અંતરિયાળ ગામોમાં શિક્ષકોએ ગુજરાતી ભાષાને જીવંત રાખવા અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. પ્રાથમિક શાળાઓમાં બાળવાટિકા થી ધોરણ-2 સુધી બાળકોને સ્થાનિક બોલીમાં શિક્ષણ આપ્યા બાદ હવે ધીમે ધીમે માતૃભાષા ગુજરાતી તરફ વળવાનો પ્રશંસનીય પ્રયોગ શરૂ થયો છે. આ પહેલ દ્વારા બાળકોમાં ભાષા પ્રત્યેનો આત્મવિશ્વાસ વધે છે અને અભ્યાસ પ્રત્યે રસ પણ જળવાઈ રહે છે.
શિક્ષિકા દર્શના પટેલે જણાવ્યું કે, “જે પોતાની ભાષા ભૂલી જાય છે, તે પોતાની ઓળખ ભૂલી જાય છે. ભાષા માત્ર સંવાદનું સાધન નથી, પરંતુ સંસ્કૃતિ, પરંપરા અને ઓળખનો મજબૂત આધારસ્તંભ છે.” તેમના કહેવા મુજબ, જ્યારે શિક્ષણ સ્થાનિક ભાષામાં આપવામાં આવે છે ત્યારે બાળકો ખુશીથી અને સરળતાથી શીખે છે. ત્યારબાદ ગુજરાતી ભાષાનું સિંચન કરવામાં આવે તો બાળકોને દ્વિભાષી લાભ મળે છે, જે તેમના ભવિષ્ય અને કારકિર્દી માટે પણ ઉપયોગી સાબિત થાય છે.
ધરમપુર જેવા આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં બાળકો ઘરમાં સ્થાનિક બોલી બોલે છે. સીધું જ ગુજરાતી માધ્યમમાં શિક્ષણ શરૂ કરવાથી કેટલીકવાર તેમને સમજવામાં અડચણ આવે છે. તેથી શિક્ષકો દ્વારા પહેલા સ્થાનિક ભાષામાં મૂળભૂત સમજ વિકસાવવામાં આવે છે અને પછી ધીમે ધીમે ગુજરાતી ભાષા તરફ માર્ગદર્શન આપવામાં આવે છે. આ પદ્ધતિથી બાળકોમાં શૈક્ષણિક ગુણવત્તા સુધરે છે તેમજ ડ્રોપઆઉટ દર ઘટાડવામાં પણ મદદ મળે છે.
વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી દરમિયાન શાળાઓમાં નિબંધ સ્પર્ધા, ભાષણ, કાવ્યો અને ગુજરાતી ગીતોના કાર્યક્રમો યોજાયા હતા. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની માતૃભાષા પ્રત્યે ગૌરવ વ્યક્ત કર્યું.
આ પ્રયત્નો દર્શાવે છે કે ધરમપુરના શિક્ષકો માત્ર પાઠ્યપુસ્તક પૂરતા સીમિત નથી, પરંતુ ભાષા અને સંસ્કૃતિના સંરક્ષણ માટે પણ પ્રતિબદ્ધ છે. સ્થાનિક ભાષા સાથે ગુજરાતીનું સંવર્ધન કરીને તેઓ નવી પેઢીને પોતાની ઓળખ સાથે જોડાયેલી રાખવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરી રહ્યા છે, જે ભવિષ્યમાં સમૃદ્ધ સમાજની રચનામાં મજબૂત આધાર બની રહેશે.





