
દાહોદ જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે આઈસીડીએસ (ઇન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસિસ) વિભાગની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લામાં આઈસીડીએસ વિભાગ દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરી અંગે વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. બેઠકમાં ખાસ કરીને આંગણવાડી કેન્દ્રોની સુવિધાઓ, બાંધકામ તથા બાળકોને આપવામાં આવતી સેવાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લામાં ચાલી રહેલા આંગણવાડી બાંધકામના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. તેમાં અત્યાર સુધી પૂર્ણ થયેલા કામો, બાકી રહેલા કામો તથા આગામી સમયમાં હાથ ધરવાના કામોની વિગતવાર ચર્ચા કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ જણાવ્યું હતું કે આંગણવાડી કેન્દ્રો બાળકોના સર્વાંગી વિકાસ માટે ખૂબ મહત્વના છે. તેથી અહીં બાળકોને તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવું અત્યંત આવશ્યક છે. આંગણવાડી કેન્દ્રોમાં પીવાનું સ્વચ્છ પાણી, પંખા, લાઈટ, શૌચાલય તથા બાળકોને બેસવાની યોગ્ય વ્યવસ્થા જેવી સુવિધાઓ ગુણવત્તાયુક્ત અને ટકાઉ હોવી જોઈએ તે અંગે તેમણે ખાસ ભાર મૂક્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આંગણવાડી કેન્દ્રોના બાંધકામ અને સુવિધાઓમાં જો કોઈ નાના કે મોટા પ્રશ્નો હોય તો સંબંધિત વિભાગો સાથે ચર્ચા કરીને તાત્કાલિક ઉકેલ લાવવો જોઈએ. બાળકોને સારો અને સુરક્ષિત માહોલ મળે તે માટે દરેક કેન્દ્રમાં યોગ્ય માળખાકીય સુવિધાઓ હોવી જરૂરી છે.
કલેક્ટરશ્રીએ આંગણવાડીમાં આવતા બાળકોને સમયસર દૂધ, નાસ્તો અને પોષણયુક્ત ભોજન મળે તે માટે પણ ખાસ ધ્યાન આપવા સૂચના આપી હતી. ઉપરાંત વધુમાં વધુ બાળકો આંગણવાડી સાથે જોડાય તે માટે વિવિધ બાળમિત્ર પ્રવૃત્તિઓ, શૈક્ષણિક રમતો અને સર્જનાત્મક કાર્યક્રમો યોજવા પણ જણાવ્યું હતું.
આ બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા, પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ઈરાબેન ચૌહાણ તેમજ જિલ્લાના સીડીપીઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં આઈસીડીએસ વિભાગની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.





