
છોટાઉદેપુર નગરમાં આગામી 3 જાન્યુઆરીના રોજ મહિલા આરોગ્ય, મહિલા સશક્તિકરણ, આરોગ્ય જાગૃતિ અને સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે એક વિશેષ ‘સાડી રન’નું આયોજન કરવામાં આવ્યું છે. આ અનોખી દોડ સ્પર્ધાના સફળ આયોજન માટે જિલ્લા કલેક્ટર શ્રીમતી ગાર્ગી જૈનની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
આ બેઠક દરમિયાન સાડી રનના રૂટ મેપ, ટ્રાફિક વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ, સ્વચ્છતા તેમજ પ્રચાર-પ્રસાર સંબંધિત મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર શ્રીમતી ગાર્ગી જૈને તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓને કાર્યક્રમ સુવ્યવસ્થિત અને સફળ બને તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે સાડી રન માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ મહિલાઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમને સક્રિય જીવનશૈલી તરફ પ્રોત્સાહિત કરવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કાર્યક્રમ દરમિયાન ભાગ લેનારી મહિલાઓની સલામતી, આરોગ્ય સુવિધા અને સરળ અવરજવર માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવે.
બેઠકમાં સાડી રનના માર્ગ પર ટ્રાફિક નિયંત્રણ, વાહન વ્યવહાર માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા, પોલીસ બંદોબસ્ત, એમ્બ્યુલન્સ અને તબીબી ટીમોની તૈનાતી અંગે પણ વિગતવાર આયોજન કરવામાં આવ્યું. સ્વચ્છતા જાળવવા માટે નગરપાલિકા અને સંબંધિત વિભાગોને વિશેષ જવાબદારી સોંપવામાં આવી હતી. સાથે જ, કાર્યક્રમની વ્યાપક પ્રસિદ્ધિ માટે સોશિયલ મીડિયા, પોસ્ટર, બેનર અને સ્થાનિક માધ્યમોના ઉપયોગ અંગે ચર્ચા કરવામાં આવી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર, પોલીસ પ્રશાસક શ્રી કલ્પેશકુમાર શર્મા, પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયાઝ શેખ, મદદનીશ કલેક્ટર શ્રીમતી મુસકાન ડાગર, નિવાસી વધારાના કલેક્ટર શ્રી શૈલેષ ગોકલાણી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અધિકારીઓએ સાડી રનને મહિલા સશક્તિકરણનું પ્રતીક ગણાવી તેને ઉત્સવના માહોલમાં ઉજવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જિલ્લા પ્રશાસનના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ સાડી રન છોટાઉદેપુરમાં મહિલા આરોગ્ય અને જાગૃતિ માટે એક યાદગાર પહેલ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.





