છોટાઉદેપુર લોકસભા વિસ્તારમાં સાંસદ ખેલ મહોત્સવનો ઉત્સાહભેર સમાપન સમારોહ, ૧૩,૯૭૬ ખેલાડીઓની નોંધપાત્ર ભાગીદારી


દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન મુજબ રમતગમતની સંસ્કૃતિ ઘર-ઘર સુધી પહોંચે અને અંતરિયાળ તથા આદિવાસી વિસ્તારોના યુવાનોમાં રહેલી સુષુપ્ત રમત પ્રતિભાને યોગ્ય મંચ મળે તે હેતુથી દેશભરમાં ‘સાંસદ ખેલ મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત ૨૧-છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારના સાંસદ ખેલ મહોત્સવનો ભવ્ય સમાપન સમારોહ ૨૫મી ડિસેમ્બર – સુશાસન દિવસના રોજ ઘેલવાટ સ્થિત ગોકુલધામ રિસોર્ટ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને ઉત્સાહભેર સંપન્ન થયો હતો.

આ સમાપન કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. તેમણે દેશભરના રમતવીરોને સંબોધતા જણાવ્યું હતું કે, ખેલ મહોત્સવ માત્ર સ્પર્ધાત્મક કાર્યક્રમ નથી પરંતુ યુવા પ્રતિભાઓને ઓળખી તેમને ઘડવાનું એક સશક્ત અભિયાન છે. તેમણે તમામ ખેલાડીઓના ઉત્સાહની પ્રશંસા કરી અને વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવી રમતગમત ક્ષેત્રે આગળ વધવા પ્રેરણા આપી હતી.

જિલ્લા કલેક્ટર શ્રીમતી ગાર્ગી જૈને આગામી તા. ૮મી ફેબ્રુઆરીના રોજ છોટાઉદેપુર જિલ્લામાં યોજાનારી મેરેથોન દોડમાં જિલ્લાના નાગરિકો તથા યુવાનોને મોટી સંખ્યામાં ભાગ લેવા અપીલ કરી હતી. આ અવસરે મેરેથોન દોડ માટેના ટી-શર્ટ અને કેપનું મહાનુભાવોના હસ્તે લોંચિંગ કરવામાં આવ્યું હતું, જે ખેલાડીઓમાં વિશેષ ઉત્સાહનું કારણ બન્યું હતું.

૨૨મી નવેમ્બરથી શરૂ થયેલા આ સાંસદ ખેલ મહોત્સવ દરમિયાન ફૂટબોલ, કબડ્ડી, રસ્સાખેંચ, વોલીબોલ, શૂટિંગ, દોડ (૧૦૦ મીટર અને ૨૦૦ મીટર), આર્ચરી (તીર-કામઠા), યોગાસન અને લીંબુ-ચમચી સહિત કુલ ૧૧ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓનલાઈન ૨૦૭૬ અને ઓફલાઈન ૧૧,૨૭૦ મળી કુલ ૧૩,૯૭૬ યુવા ખેલાડીઓએ નોંધણી કરાવી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર ખેલાડીઓ તથા ટીમોને મહાનુભાવોના હસ્તે રોકડ પુરસ્કાર, ટ્રોફી અને પ્રશસ્તિ પત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં છોટાઉદેપુરના સાંસદ શ્રી જશુભાઈ રાઠવા, કલેક્ટર શ્રીમતી ગાર્ગી જૈન, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કલ્પેશકુમાર શર્મા, ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ રેલ રાજ્યમંત્રી શ્રી નારણભાઈ રાઠવા, પૂર્વ સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા સહિત જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો અને રમતગમત વિભાગના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


  • Related Posts

    વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે ખેડા જિલ્લામાં ૧૦૦ દિવસનું ટીબી મુક્ત અભિયાન શરૂ, ૭૮ ગ્રામ પંચાયતો ટીબી મુક્ત જાહેર


    તા. ૨૪ માર્ચના World Tuberculosis Day નિમિત્તે Kheda district માં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ Nadiad સ્થિત જિલ્લા પંચાયત ખાતે યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર Amit Prakash Yadav ની ઉપસ્થિતિમાં ટીબી…


    ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી: ચકલી સંરક્ષણ માટે જાગૃતિ અભિયાન


    Dharampur સ્થિત Valsad District Science Centre ખાતે વિશ્વ ચકલી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રકૃતિપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ચકલી સંરક્ષણ અંગે…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *