
ભુજ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય તથા જિલ્લા વહીવટી તંત્ર કચ્છના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. મહિલા કોલેજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાકક્ષાનું મહિલા સંમેલન અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર નારીશક્તિઓને સન્માનિત કરવામાં આવી હતી.
આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિજયાબેન પ્રજાપતિએ મહિલાઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે મહિલા સશક્તિકરણનો અર્થ માત્ર આર્થિક સ્વતંત્રતા નહીં પરંતુ મહિલાઓ પોતાની ક્ષમતાને ઓળખીને સમાજમાં સમાન અધિકાર સાથે આગળ વધે તે છે. તેમણે જણાવ્યું હતું કે વિશ્વભરમાં મહિલાઓએ પોતાના હક્કો માટે લાંબા સંઘર્ષ કર્યા છે અને આજે ભારતીય બંધારણે મહિલાઓને સમાન અધિકારો અને તકો આપી છે. તેથી દરેક મહિલાએ પોતાની શક્તિ અને કૌશલ્ય ઓળખીને આર્થિક રીતે આત્મનિર્ભર બનવા પ્રયાસ કરવો જોઈએ.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના કચેરી અધિક્ષક ભારતીબા સોઢાએ મહિલાઓને પોતાના કૌશલ્યના બળે જીવનમાં સફળતા મેળવવા માટે પ્રેરિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મહિલાઓએ પોતાની જાત પર વિશ્વાસ રાખવો જોઈએ અને જીવનમાં મોટા સપના જોઈને તેને સાકાર કરવા મહેનત કરવી જોઈએ. સાથે સાથે તેમણે સરકાર દ્વારા મહિલાઓ માટે અમલમાં મુકાતી વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા મહિલાઓને અપીલ કરી હતી.
શ્રી મુકતજીવન સ્વામી બાપા મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજના ટ્રસ્ટી કીર્તિભાઈ વરસાણીએ મહિલાઓને શિક્ષણનું મહત્વ સમજાવી જીવનમાં મળતી તકોનો યોગ્ય ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં વક્તાઓ ભૂમિબેન ચોક્સી અને જાગૃતિબેન વકીલે મહિલાઓને આધુનિક યુગની માંગ મુજબ નવી ટેક્નોલોજી, કૃત્રિમ બુદ્ધિ (AI) અને કોમ્પ્યુટર જ્ઞાન જેવા ક્ષેત્રોમાં પણ સજ્જ બનવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે મહિલા અને બાળ અધિકારી અવનીબેન દવેએ જણાવ્યું હતું કે સશક્તિકરણ એટલે મહિલાઓ પોતાની જાતે નિર્ણય લઈ શકે તેવી સ્થિતિ પ્રાપ્ત કરે તે. તેમણે મહિલાઓને પોતાના સપનાઓ સાકાર કરવા માટે આત્મવિશ્વાસ અને મહેનત સાથે આગળ વધવાની પ્રેરણા આપી હતી.
કાર્યક્રમ દરમિયાન કચ્છ જિલ્લામાં કલા, રમતગમત, સામાજિક સેવા, રાજકીય, સાહિત્ય અને સરકારી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થી મહિલાઓને સહાય ચેક અને મંજૂરી પત્રોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.





