
કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના મોડસર ગામે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં સેવાસેતુ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા ગ્રામજનોએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ એક જ સ્થળે અને ઘરઆંગણે પ્રાપ્ત કર્યો હતો, જેના કારણે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર નાગરિકોને પારદર્શક અને સરળ વહીવટ આપવા માટે પ્રતિબદ્ધ છે. સેવાસેતુ કાર્યક્રમો એ જ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, જેના માધ્યમથી સરકાર સીધી પ્રજાજનો સુધી પહોંચીને તેમને યોજનાઓનો લાભ અપાવી રહી છે. તેમણે ઉમેર્યું કે આ કાર્યક્રમોથી લોકોનો સમય અને ખર્ચ બંને બચે છે અને વિધવા સહાય, ગર્ભવતી મહિલાઓ, વિદ્યાર્થીઓ, ખેડૂતો સહિત તમામ વર્ગોને સહેલાઈથી લાભ મળે છે.
મોડસર ગામે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેમાં આઇસીડીએસ વિભાગ, મુખ્યમંત્રી એપ્રેન્ટિસશિપ તાલીમ યોજના, મતદારયાદી સુધારણા, ઈ-ધારા સેવાઓ, પીજીવીસીએલ, ખેતીવાડી વિભાગ, સ્વામિત્વ યોજના, સમાજ સુરક્ષા યોજનાઓ, પુરવઠા વિભાગ અને પોસ્ટ ઓફિસ જેવી સેવાઓનો સમાવેશ થતો હતો. આ તમામ સેવાઓનો લાભ ગ્રામજનોએ એક જ સ્થળે મેળવી શક્યો હતો.
કાર્યક્રમ દરમિયાન વિવિધ લાભાર્થીઓને સહાય કીટ તથા પ્રમાણપત્રોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય મ્યાઝર છાંગા, મોડસર સરપંચ ધનુબેન ચાવડા, તાલુકા પંચાયત સદસ્ય આંબાભાઈ રબારી, એપીએમસી ચેરમેન દૂદાભાઈ આહિર સહિત અનેક આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્યા હતા.
મોટી સંખ્યામાં આસપાસના ગામોના નાગરિકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થતાં લોકોમાં સરકાર પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો હોવાનું પ્રતિબિંબિત થયું હતું.





