
Surat જિલ્લામાં આગામી ચોમાસાની સીઝન-2026ને ધ્યાનમાં રાખીને પ્રિ-મોનસુન પ્રિપેર્ડનેશ અને આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓ અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી આ બેઠક નિવાસી અધિક કલેક્ટર Vijay Rabari ના અધ્યક્ષસ્થાને મળી હતી. બેઠકમાં ભારે વરસાદ, પૂર, વોટર લોગિંગ અને વાવાઝોડા જેવી સંભવિત કુદરતી આફતો સામે તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ રહે તે માટે વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન સુરત શહેરના 6 તાલુકાઓ તેમજ જિલ્લાના 11 તાલુકાઓ માટે નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓને લાયઝન અને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ અધિકારીઓને ચોમાસા દરમિયાન વિવિધ વિસ્તારોમાં સંકલન અને તાત્કાલિક કામગીરી માટે જવાબદારી સોંપવામાં આવી છે.
નિવાસી અધિક કલેક્ટર વિજય રબારીએ બેઠકમાં સૂચના આપી હતી કે જિલ્લામાં વરસાદી પાણીના નિકાલમાં અવરોધરૂપ બનેલા તમામ દબાણો તાત્કાલિક દૂર કરવામાં આવે. ખાસ કરીને નવા બનેલા હાઈવે આસપાસ આવેલા પાણી નિકાલના કન્વર્ટરો અને ડ્રેનેજ વ્યવસ્થાની ચકાસણી કરીને સફાઈ કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી હતી.
તેમણે તમામ લાઈન ડિપાર્ટમેન્ટને ચોમાસા દરમિયાન 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રાખવા જણાવ્યું હતું. શહેર અને જિલ્લામાં જ્યાં પાણી ભરાવાની, પૂર અથવા ખાડીપૂરની સમસ્યા સર્જાય છે તે વિસ્તારોમાં અગાઉથી જરૂરી કામગીરી પૂર્ણ કરવા તેમજ ડ્રેનેજ, ગટર, કેનાલ, બોગદા અને કાંસોની સફાઈ સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બેઠકમાં પીવાના પાણીની શુદ્ધતા જળવાઈ રહે તે માટે ક્લોરિનેશન અને સ્વચ્છતા જાળવવા ખાસ સૂચનાઓ પણ આપવામાં આવી હતી. ભારે વરસાદ કે પૂર જેવી પરિસ્થિતિ બાદ તાત્કાલિક સર્વે કરીને અસરગ્રસ્તોને સહાયની રકમ ઝડપથી ચુકવાય તે અંગે પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
સાથે જ Surat District Heat Action Task Force હેઠળ હીટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી તકેદારીના પગલાં લેવા પણ સૂચનાઓ આપવામાં આવી હતી.
સુરત જિલ્લા તંત્ર દ્વારા ચોમાસા પૂર્વે કરવામાં આવતી આ વ્યાપક તૈયારીઓથી નાગરિકોની સુરક્ષા અને ઝડપી રાહત કામગીરી સુનિશ્ચિત કરવામાં મદદ મળશે।




