
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સુજાના મુવાડા ગામની મહિલાઓએ નિરક્ષરતાથી આત્મનિર્ભરતા સુધીનો પ્રેરણાદાયી ‘રંગબેરંગી’ પ્રવાસ સાકાર કર્યો છે. એક સમય હતો જ્યારે આ બહેનો માત્ર ખેત મજૂરી પર નિર્ભર હતી, પરંતુ આજે સરકારની તાલીમ અને સહયોગથી કુદરતી રંગો બનાવી સફળ ઉદ્યોગસાહસિક બની છે.
National Rural Livelihood Mission (NRLM) અંતર્ગત ‘મિશન મંગલમ’ યોજનાના સહકારથી સુજાના મુવાડાની લગભગ ૧૦ બહેનો ‘દિપો મા મિશન મંગલમ’ સખી મંડળ મારફતે નેચરલ ગુલાલ બનાવવાની કામગીરી કરી રહી છે. અમરબેન નરસિંહભાઈ ઠાકોરના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી આ પહેલ આજે ગામ માટે ગૌરવ બની છે.
સરકાર દ્વારા હોળી તહેવારને ધ્યાનમાં રાખીને બહેનોને કુદરતી ગુલાલ બનાવવાની વિશેષ તાલીમ આપવામાં આવી. પીળા રંગ માટે હળદર અને મકાઈનો લોટ, લીલા માટે પાલક જેવી લીલી ભાજી, તેમજ લાલ, ગુલાબી અને કેસરી રંગ માટે બીટ, કેસુડા અને ગલગોટાના ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે. આ સંપૂર્ણપણે કેમિકલ મુક્ત રંગો નાના બાળકો થી લઈને વડીલો સુધી સૌ માટે સુરક્ષિત છે અને ત્વચા કે આંખોને કોઈ નુકસાન પહોંચાડતા નથી.
સરકાર માત્ર તાલીમ પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ માર્કેટિંગમાં પણ પૂરતો સહયોગ આપી રહી છે. વિવિધ શહેરોમાં યોજાતા ‘સખી મેળા’ અને ‘સ્વદેશી મેળા’માં બહેનોને વિનામૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવે છે. ‘સ્વદેશી અભિયાન’ના પ્રોત્સાહનથી હવે આ નેચરલ ગુલાલ માત્ર હોળી પૂરતો મર્યાદિત નથી, પરંતુ ધાર્મિક પ્રસંગો અને અન્ય ઉત્સવો માટે પણ મોટા ઓર્ડર મળી રહ્યા છે.
અમરબેન અને મંડળની બહેનો કહે છે, “સરકારની તાલીમે અમારા જીવનમાં ખુશીઓના રંગ પૂર્યા છે. હવે અમે મજૂર નહીં, પણ આત્મનિર્ભર ઉદ્યોગસાહસિક છીએ.”
સુજાના મુવાડાની મહિલાઓની આ સફળતા સાબિત કરે છે કે યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે તો નિરક્ષરતા ક્યારેય પ્રગતિમાં અવરોધ બની શકતી નથી. આજે તેઓ પોતાના પરિવારને આર્થિક રીતે મજબૂત બનાવતાં સમાજને કેમિકલ મુક્ત અને સુરક્ષિત તહેવારની ભેટ આપી રહી છે.





