
જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાની રીંકલબેન પન્નાએ પરંપરાગત હાથસાળ વ્યવસાયને આધારે આત્મનિર્ભરતાની નવી દિશા બતાવી છે. ખાદી અને હેન્ડલુમની વિવિધ વસ્તુઓનું ઉત્પાદન કરીને તેઓ વર્ષે એક લાખ રૂપિયાથી વધુની આવક મેળવી ગુજરાતનાં ‘લખપતિ દીદી’ બન્યાં છે. તેમની સફળતા આજે અન્ય ગ્રામ્ય મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહી છે.
રીંકલબેન પન્ના પોતાના પરિવાર સાથે હાથસાળ પર ટુવાલ, હાથ રૂમાલ, આસન, ચટાઈ, પગલુછણીયા તેમજ પેન્ટ-શર્ટ માટેનું કાપડ તૈયાર કરે છે. શરૂઆતમાં તેઓ ખાદી ભંડાર માટે કામ કરતા હતા, પરંતુ વર્ષ 2016માં સદભાવના મંગલમ જૂથ મંડળ સાથે જોડાયા બાદ તેમની કાર્યયાત્રાએ નવી ગતિ પકડી. મંડળ સાથે જોડાઈ તેમણે અન્ય બહેનો સાથે મળીને હસ્તકલા ઉત્પાદનો તૈયાર કરી રાજ્ય સરકાર દ્વારા આયોજિત વિવિધ મેળાઓમાં તેનું વેચાણ શરૂ કર્યું.
રીંકલબેન જણાવે છે કે શરૂઆતના સમયમાં કાચો માલ ખરીદવા માટે મંડળમાંથી લોન લેવી પડી હતી, પરંતુ સતત મહેનત અને સરકારી સહાયથી આજે તેઓ સંપૂર્ણ રીતે આર્થિક સ્વાવલંબી બન્યા છે. સુરત, અમદાવાદ, કચ્છ, સારંગપુર અને જામનગર જેવા વિસ્તારોમાં યોજાતા મેળાઓમાં તેઓ પોતાના ઉત્પાદનોનું વેચાણ કરે છે, જેના કારણે તેમના કામને આગવી ઓળખ મળી છે.
રીંકલબેન કહે છે કે મહિલાઓમાં અઢળક શક્તિ અને આવડત રહેલી છે, પરંતુ તેને ઘરની ચાર દિવાલોમાં સીમિત ન રાખવી જોઈએ. સરકારના વિવિધ આયોજનોથી ખાસ કરીને મહિલાકારીગરોને પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરવા યોગ્ય પ્લેટફોર્મ મળ્યું છે. રાજ્ય સરકાર દ્વારા હાથસાળ વારસાના સંવર્ધન અને સંરક્ષણ માટે કરાયેલા પ્રયાસો બદલ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.
મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવી દેશની વિકાસયાત્રામાં જોડવાના હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ 2023માં ‘લખપતિ દીદી’ યોજના શરૂ કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ 2027 સુધીમાં 3 કરોડ મહિલાઓને સક્ષમ બનાવવાનો છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ યોજનાનો વ્યાપક લાભ મળી રહ્યો છે.
જૂનાગઢમાં સરદારબાગ સ્થિત હવેલી વાડી ખાતે તા. 19 થી 21 ડિસેમ્બર દરમિયાન યોજાયેલા સશક્ત નારી મેળામાં રીંકલબેનના હસ્તકલા ઉત્પાદનોને લોકોનો વિશેષ પ્રતિસાદ મળ્યો હતો. આ મેળો ‘લોકલ ફોર લોકલ’ અને સ્વદેશી અભિયાનને સાર્થક બનાવતો એક સશક્ત ઉદાહરણ બની રહ્યો છે.





