
સુરત જિલ્લાના બે અનાથ બાળકોને નવા વર્ષની શુભ શરૂઆત સાથે પોતાનું પરિવાર મળ્યું છે. જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધી દ્વારા મહારાષ્ટ્રના બે દંપતિઓને પ્રી-એડોપ્શન ફોસ્ટર કેર (Pre-Adoption Foster Care) નો આદેશ સોંપવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીએ દત્તક લેનાર દંપતિઓને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
જિલ્લા સામાજિક સુરક્ષા અધિકારી શ્રી એલ.બી. પટેલના માર્ગદર્શન હેઠળ કતારગામ ખાતે આવેલી વિશેષ દત્તક સંસ્થા (Special Adoption Organization) માં આશ્રય લઈ રહેલા બે અનાથ બાળકોને મુંબઈ ખાતે રહેતા બે ઇચ્છુક દંપતિઓને પ્રી-એડોપ્શન સંભાળ માટે સોંપવામાં આવ્યા છે. આ સમગ્ર પ્રક્રિયા દત્તક નિયમન-2022 (Adoption Regulation-2022) મુજબ કાયદેસર અને પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી છે.
આ પ્રસંગે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી વિજયભાઈ પરમારે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, મુંબઈના બે દંપતિઓએ તમામ નિયમોનું પાલન કરીને અલગ-અલગ પરિવારમાં એક પુત્ર અને એક પુત્રીને દત્તક લેવા માટે આગળ આવી સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. નિસંતાન પરિવારોમાં આ બાળકોના આગમનથી લક્ષ્મી અને કુલદીપક સમાન આનંદનો માહોલ સર્જાયો છે.
પ્રી-એડોપ્શન ફોસ્ટર કેર વ્યવસ્થાના માધ્યમથી બાળકોને કાયમી દત્તક પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી પરિવારજનનો પ્રેમ, સંભાળ અને સુરક્ષિત વાતાવરણ મળે છે. આ પ્રક્રિયા બાળકોના માનસિક, ભાવનાત્મક અને સામાજિક વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સરકાર દ્વારા અનાથ અને ત્યજાયેલા બાળકોને પરિવારનું સુખ મળે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લામાં બાળ કલ્યાણ અને દત્તક પ્રક્રિયાને વધુ માનવીય અને અસરકારક બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. બે અનાથ બાળકોને પરિવાર મળવાથી માત્ર તેમના જીવનમાં જ નહીં પરંતુ દત્તક લેનાર પરિવારોના જીવનમાં પણ ખુશીઓનો નવો અધ્યાય શરૂ થયો છે.
આ ઘટના સમાજમાં દત્તક સ્વીકાર અંગે સકારાત્મક સંદેશ આપે છે અને વધુ લોકો અનાથ બાળકોને પોતાનું ઘર આપવાની પ્રેરણા મેળવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.





