
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ગોધાબારી ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી સુરેશભાઈ નાગીનભાઈ પટેલે રાસાયણિક ખેતીમાંથી બહાર આવી પ્રાકૃતિક ખેતી અપનાવી સફળતાની નવી દિશા મેળવી છે. વધતા ખર્ચ અને ઘટતી ઉપજથી ચિંતિત ખેડૂતો માટે તેમની સફર એક પ્રેરણારૂપ ઉદાહરણ બની છે. સુરેશભાઈએ પરંપરાગત વિચારસરણીથી બહાર આવી ખેતીને માત્ર આવકનું સાધન નહીં, પરંતુ સમાજના આરોગ્ય અને પર્યાવરણની રક્ષા સાથે જોડાયેલ વ્યવસાય બનાવ્યો છે.
પ્રારંભિક સમયમાં સુરેશભાઈ પણ અન્ય ખેડૂતોની જેમ રાસાયણિક ખાતર અને મોંઘી કીટનાશક દવાઓ પર નિર્ભર હતા. વધુ ઉત્પાદનની લાલચમાં બિનજરૂરી રસાયણોનો ઉપયોગ થતો રહ્યો, જેના પરિણામે ખેતી ખર્ચ વધતો ગયો અને ઉપજ ઘટતી ગઈ. જમીનની ઉર્વરતા ઘટી, નફાની જગ્યાએ નુકસાન થવા લાગ્યું. સાથે સાથે રાસાયણિક ખેતીથી ઉત્પન્ન થયેલા અનાજ અને શાકભાજીના આરોગ્ય પર પડતા વિપરીત અસરો પણ તેમની નજરે ચડી. આ પરિસ્થિતિએ તેમને વિચારવા મજબૂર કર્યા કે હવે ખેતીમાં બદલાવ અનિવાર્ય છે.
કૃષિ વિભાગ અને કૃષિ વિસ્તરણ શાખાની માર્ગદર્શન હેઠળ સુરેશભાઈએ પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી. તેમણે સમજ્યું કે ખેતી માટે જરૂરી મોટાભાગની સામગ્રી ખેતરમાં જ ઉપલબ્ધ છે. તેમણે જાતે જ જીવામૃત, ઘનજીવામૃત જેવી પ્રાકૃતિક ખાતરો તૈયાર કરવાનું શરૂ કર્યું અને રાસાયણિક દવાઓના સ્થાને વનસ્પતિ આધારિત કીટનાશકો અપનાવ્યા. પરિણામે જમીનની કઠોરતા ઘટી, મિત્ર જીવાતો દેખાવા લાગી, જમીનમાં કાર્બનિક કાર્બન વધ્યું અને પાણી ધારણ ક્ષમતામાં નોંધપાત્ર સુધારો થયો.
આજે સુરેશભાઈ પોતાની 10 ગુઠ્ઠા જમીનમાં કરેલા, કાકડી અને ડાંગર જેવી પાકોની ખેતી કરે છે. રાસાયણિક ખેતીની સરખામણીએ તેમની ખેતી ખર્ચમાં આશરે 30 થી 40 ટકા ઘટાડો થયો છે. માત્ર 60 ગોઠિયા જમીનમાં ખેતીનો કુલ ખર્ચ રૂ. 20,000 રહ્યો, જ્યારે સામે રૂ. 3,20,000 જેટલી આવક મળી, એટલે કે નોંધપાત્ર શુદ્ધ નફો થયો.
સુરેશભાઈની ખેતીનો સૌથી મોટો લાભ સમાજને મળ્યો છે. ઝેરી પદાર્થો વિનાનું સ્વસ્થ ખોરાક સ્થાનિક બજારમાં લોકોને ઉપલબ્ધ થયો છે. તેમની સફળતા જોઈ ગોધાબારી તથા આસપાસના અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. સુરેશભાઈ આજે અન્ય ખેડૂતો માટે માર્ગદર્શક બની પ્રાકૃતિક ખેતીનું જ્ઞાન વહેંચી રહ્યા છે. તેમની આ પ્રેરણાદાયી કહાની સાબિત કરે છે કે ધીરજ, સમર્પણ અને યોગ્ય માર્ગદર્શન સાથે ખેતીમાં “સોનુ ઉગાડવું” શક્ય છે.





