ઓલપાડ તાલુકાના બરબોધન ગામે કલસ્ટર બેઇઝ પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ, ખેડૂતોને અપાઈ માર્ગદર્શનસભર માહિતી


ઓલપાડ તાલુકાના બરબોધન ગામે ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિ પ્રત્યે જાગૃતિ લાવવા અને તેમને રાસાયણિક ખાતર તથા કીટનાશક દવાઓથી મુક્ત ખેતી તરફ વળવા પ્રોત્સાહિત કરવા માટે કલસ્ટર બેઇઝ પ્રાકૃતિક કૃષિ તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો હાજર રહી તાલીમનો લાભ લીધો હતો.

તાલીમ દરમિયાન પ્રગતિશીલ ખેડૂત કિરીટભાઈ આંધી અને મનહરભાઈ લાડે ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી જમીનની ઉપજાઉ શક્તિમાં વધારો થાય છે, ઉત્પાદન ખર્ચ ઘટે છે તેમજ ખેતી લાંબા ગાળે વધુ લાભદાયી બને છે. સાથે જ તેમણે પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો વિશે ખેડૂતોને સરળ ભાષામાં સમજાવ્યા હતા અને રવિ પાકોમાં પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી થનારા ફાયદાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.

આ તાલીમમાં સુક્ષ્મ પિયત પદ્ધતિ (ડ્રિપ અને સ્પ્રિંકલર) વિષયક માહિતી પણ આપવામાં આવી હતી. પાણી બચત અને પાકની ગુણવત્તા સુધારવામાં સુક્ષ્મ પિયત પદ્ધતિ કેવી રીતે ઉપયોગી સાબિત થાય છે તે અંગે પ્રાયોગિક ઉદાહરણો સાથે સમજાવવામાં આવ્યું હતું. ઉપરાંત જીવામૃત કેમ્પિંગ અંતર્ગત લાઇવ ડેમો યોજાઈ, જેમાં જીવામૃત બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયા ખેડૂતોને પ્રત્યક્ષ રીતે બતાવવામાં આવી હતી. આ ડેમો દ્વારા ખેડૂતોને ઘરબેઠા સસ્તા અને અસરકારક રીતે જીવામૃત તૈયાર કરવાની રીત સમજાવવામાં આવી, જે પ્રાકૃતિક કૃષિ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

કાર્યક્રમમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સ્ટાફ માસ્ટર ટ્રેનર જયેશભાઈ, એગ્રી આસિસ્ટન્ટ વિપુલભાઈ, આત્મા સ્ટાફ (BTM) હિરેનભાઈ તેમજ એક્સ્ટેન્શન ઓફિસર દિવ્યેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહેમાનોએ ખેડૂતોને સરકાર દ્વારા ચાલતી પ્રાકૃતિક કૃષિ યોજનાઓ અંગે માહિતી આપી અને વધુમાં વધુ ખેડૂતો આ પદ્ધતિ અપનાવે તે માટે અપીલ કરી હતી.

આ પ્રકારની તાલીમોથી ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિ અંગે વિશ્વાસ વધે છે અને ટકાઉ, પર્યાવરણમૈત્રી ખેતી તરફ આગળ વધવાનો માર્ગ સુગમ બને છે.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *