
સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વસરાઈ ખાતે યોજાઈ રહેલો રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો ‘લોકલ ફોર વોકલ’ અને ‘સ્વદેશી અપનાવો’ના સંદેશને અસરકારક રીતે સાકાર કરી રહ્યો છે. આ મેળામાં દેશભરના આદિવાસી કારીગરો પોતાની પરંપરાગત અને સ્વદેશી બનાવટો રજૂ કરી રહ્યા છે, જેના થકી તેમને રોજગારીના નવા અવસર મળી રહ્યા છે. ખાસ કરીને મહુડાના ફૂલોનું મૂલ્યવર્ધન કરીને બનાવવામાં આવેલી ઔષધીય વસ્તુઓ આદિવાસી અસ્મિતાની એક અનોખી ઓળખ બની છે.
આયુર્વેદમાં મહુડાના ઝાડ, તેના ફૂલો અને બીજોને આરોગ્યની દ્રષ્ટિએ અત્યંત ઉપયોગી માનવામાં આવે છે. મહારાષ્ટ્રના પૂના જિલ્લાના ભાવના ઇલપાચી મહુડાના ફૂલોને મૂલ્યવર્ધન કરીને લાડુ, ચોકલેટ, તેલ અને સાબુ જેવી વિવિધ બનાવટો તૈયાર કરી આત્મનિર્ભર બન્યા છે. તેઓ જણાવે છે કે મહુડાના ફૂલમાંથી બનતું તેલ કમરદર્દ, ઘૂંટણના દુખાવા તેમજ સ્ત્રીઓમાં માસિક ધર્મ સંબંધિત તકલીફોમાં ખૂબ લાભદાયક સાબિત થાય છે.
મહુડાના ફૂલોના લાડુ અને ચોકલેટ માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ આરોગ્યવર્ધક પણ છે. જ્યારે મહુડાનો સાબુ એક નવીન આદિવાસી ઓળખ તરીકે લોકોમાં ખાસ આકર્ષણ પામી રહ્યો છે. મહારાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં મહુડાનું મહત્વ છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં મહુડાના વૃક્ષોની સંખ્યા ઘટતી જઈ રહી છે, જે ચિંતાજનક બાબત છે.
એલએલબીમાં અભ્યાસ કરતી ભાવના ઇલપાચી જણાવે છે કે તેઓ અન્ય આદિવાસી યુવકો અને યુવતીઓને મહુડાના ફૂલોની મૂલ્યવર્ધિત વસ્તુઓ બનાવવાની તાલીમ આપે છે, જેથી વધુમાં વધુ લોકો સ્વરોજગાર સાથે જોડાઈ શકે. તેઓ કહે છે કે મહુડો આદિવાસીઓની કસ્તૂરી સમાન છે અને મહુડાના બીનું તેલ ખાવા માટે ઉત્તમ માનવામાં આવે છે.
વસરાઈ ખાતેનો આ રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો માત્ર વેપારનું મંચ નથી, પરંતુ આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપતો મહત્વપૂર્ણ પ્રયાસ બની રહ્યો છે.





