
ગુજરાત પોલીસમાં ભરતી થનારા યુવાનો માટે 23 ડિસેમ્બર 2025, મંગળવારનો દિવસ ઐતિહાસિક બનવાનો છે. ગાંધીનગરના રામકથા મેદાન ખાતે યોજાનાર ‘સિલેક્શન લેટર એવોર્ડ પ્રોગ્રામ’માં માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાત પોલીસના 11,607 નવા પસંદ થયેલા ઉમેદવારોને નિમણૂક પત્રો આપશે. આ ભવ્ય કાર્યક્રમમાં ઉપમુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલની પ્રેરણાદાયી હાજરી રહેશે.
ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની મજબૂતી માટે પોલીસ દળનું મહત્વ ખૂબ જ અગત્યનું છે. તે દિશામાં લોકરક્ષક કેડરમાં કુલ 11,899 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવી છે. તેમાં કુલ 8,782 પુરૂષ અને 3,117 મહિલા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે, જે રાજ્યમાં મહિલા સશક્તિકરણ અને સમાન અવસરની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.
હાલના તબક્કે દસ્તાવેજ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ કરનાર કુલ 11,607 ઉમેદવારોને આ કાર્યક્રમમાં નિમણૂક પત્રો આપવામાં આવશે. બાકી રહેલા ઉમેદવારોની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે તેમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે. નવા ભરતી થનારા પોલીસ કર્મચારીઓ રાજ્યની સુરક્ષા, નાગરિકોની સલામતી અને કાયદાની અમલવારીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આ અવસરે નવયુવાનોને સંબોધન કરીને તેમને ફરજ પ્રત્યે સમર્પિત, પ્રામાણિક અને જનસેવાના ભાવ સાથે કાર્ય કરવા પ્રેરણા આપશે. ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ પોલીસ દળની આધુનિકીકરણ પ્રક્રિયા, તાલીમ અને ભવિષ્યની યોજનાઓ અંગે માર્ગદર્શન આપશે.
ગાંધીનગરના રામકથા મેદાન ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉમેદવારો અને તેમના પરિવારજનો હાજર રહેશે. રાજ્ય સરકાર દ્વારા યુવાનોને રોજગારની તક આપવાની અને સુરક્ષિત ગુજરાતના નિર્માણની પ્રતિબદ્ધતાનું આ કાર્યક્રમ ઉત્તમ ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે.





