
અમદાવાદ ગ્રામ્ય પોલીસ મુખ્યાલય ખાતે નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ‘ખાખી ભવન’, ADR-શિલ્ડ, બ્લુ સર્કિટ પ્રોજેક્ટ, અભયાત્રી પ્રોજેક્ટ, અસલાલી ડિવિઝનલ પોલીસ ઓફિસર કચેરી તેમજ વિરમગામ પોલીસ લાઇનનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજીથી સજ્જ પોલીસ વ્યવસ્થા રાજ્યમાં કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનાવશે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે રાજ્યભરના પોલીસ ગ્રાઉન્ડ અને SRP ગ્રાઉન્ડને આવનારી પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનો માટે ખુલ્લા મૂકવામાં આવશે. આ નિર્ણયથી યુવાનોને શારીરિક કસરત, દોડ અને તાલીમ માટે યોગ્ય સુવિધા મળશે અને તેમની તૈયારી વધુ સુદૃઢ બનશે.
આ કાર્યક્રમ દરમિયાન અમદાવાદ ગ્રામ્ય પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓના ઉત્કૃષ્ટ કાર્ય બદલ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન અંતર્ગત સાયબર ગુના તથા અન્ય ગુનાઓમાં ભોગ બનેલા નાગરિકોની રકમ અને દાગીના પરત આપીને માનવતા અને સંવેદનશીલ પોલીસિંગનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમના મ્યુલ અકાઉન્ટ સામે ઐતિહાસિક સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. માત્ર 9 દિવસમાં 508 ગુનાઓ નોંધાઈ 423 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જે રાજ્યની કડક અને ઝડપી કાર્યવાહીનું પ્રતિબિંબ છે. તેમણે જણાવ્યું કે સાયબર ગુનાઓ સામે ગુજરાત પોલીસ ઝીરો ટોલરન્સની નીતિ સાથે કાર્ય કરી રહી છે.
તેમણે ઉમેર્યું કે ADR-શિલ્ડ અને બ્લુ સર્કિટ જેવા પ્રોજેક્ટથી મહત્વપૂર્ણ સ્થળોની સુરક્ષા વધુ મજબૂત બનશે, જ્યારે અભયાત્રી પ્રોજેક્ટ મહિલાઓની સુરક્ષાને નવી દિશા આપશે. નવી કચેરીઓ અને પોલીસ લાઇનથી પોલીસ કર્મચારીઓ માટે કાર્યક્ષમ અને સુવિધાજનક વાતાવરણ ઊભું થશે.
આ પ્રસંગે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા. સૌએ ગુજરાત પોલીસની કાર્યક્ષમતા, ટેકનોલોજી આધારિત કામગીરી અને નાગરિકમૈત્રી અભિગમને બિરદાવ્યો હતો.





