
દ્વારકા ખાતે મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાના હેતુથી ત્રિ-દિવસીય “સશક્ત નારી મેળા”નો ભવ્ય પ્રારંભ વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના કરકમળે કરવામાં આવ્યો. આ મેળો મહિલાઓની સર્જનાત્મકતા, ઉદ્યમશીલતા અને સ્વરોજગારને નવી ઓળખ આપશે તેવી આશા મંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.
ઉદ્ઘાટન પ્રસંગે મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે સશક્ત નારી મેળાઓના આયોજનથી મહિલાઓ દ્વારા તૈયાર થતી હસ્તકલા અને ઘરઉદ્યોગની ચીજવસ્તુઓને યોગ્ય બજાર મળે છે. આ પ્રકારના મેળાઓ મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને તેમના આત્મવિશ્વાસમાં વધારો કરે છે. મહિલાઓના સર્જનને એક નવી ઓળખ મળશે અને તેમની મહેનતને સન્માન મળશે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ સશક્ત નારી મેળામાં અંદાજે 10 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા છે, જેમાં હેન્ડીક્રાફ્ટ, હેન્ડ પેઇન્ટિંગ, માટી કામ, ઘરઉદ્યોગથી બનેલી ચીજવસ્તુઓ તેમજ સજાવટી સામગ્રીનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલા આ ઉત્પાદનો મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
મેળાના આયોજન દરમિયાન મહિલા સાહસિકો, “લખપતિ દીદી” તેમજ વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરનાર મહિલાઓને મંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવી હતી. મહિલાઓના સંઘર્ષ, સફળતા અને યોગદાનને બિરદાવતા મંત્રીશ્રીએ કહ્યું કે રાજ્ય સરકાર મહિલાઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રતિબદ્ધ છે.
સશક્ત નારી મેળો મહિલાઓને સ્વરોજગારની નવી તકો પ્રદાન કરે છે અને તેમના ઉત્પાદનોને સીધા ગ્રાહકો સુધી પહોંચાડવાનું મંચ પૂરું પાડે છે. આ મેળા દ્વારા દ્વારકા સહિત આસપાસના વિસ્તારોની મહિલાઓને આર્થિક સશક્તિકરણની દિશામાં આગળ વધવાની પ્રેરણા મળી રહી છે.
દ્વારકામાં યોજાયેલો આ ત્રિ-દિવસીય સશક્ત નારી મેળો મહિલા શક્તિ, આત્મનિર્ભરતા અને સર્જનાત્મકતાનો ઉત્સવ બની રહ્યો છે, જે અન્ય વિસ્તારો માટે પણ પ્રેરણારૂપ સાબિત થશે.





