
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં ગીર સોમનાથ જિલ્લાના કીડીવાવ ખાતે પ્રેરણાત્મક સ્વ-રોજગાર શિબિર અને રોજગાર મેળોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘેલા સોમનાથથી શરૂ થયેલી જન કલ્યાણ શિવ વંદના પદયાત્રા કીડીવાવ મુકામે પહોંચી ત્યારે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ અને લાભાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કીડીવાવ શૈક્ષણિક સંકૂલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમનું આયોજન જિલ્લા રોજગાર કચેરી તથા નોડલ આઈ.ટી.આઈ. વેરાવળ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓ અને યુવાનોને કૌશલ્ય વિકાસ, તાલીમ અને રોજગારની તકો વિશે માર્ગદર્શન આપી તેમને આત્મનિર્ભર બનાવવાનો રહ્યો હતો.
આ પ્રસંગે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની સ્પષ્ટ નેમ છે કે મહિલાઓ અને યુવાનો તાલીમ દ્વારા કૌશલ્ય વિકસાવી સ્વરોજગાર અને રોજગારની દિશામાં આગળ વધે. તેમણે ઉમેર્યું હતું કે સરકાર વિવિધ યોજનાઓ, તાલીમ કેન્દ્રો અને રોજગાર મેળાઓ મારફતે યુવાનોને રોજગાર માટે તૈયાર કરી રહી છે, જેથી તેઓ પોતાનું અને સમાજનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે.
કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓને આવાસ યોજનાની પ્રતિકાત્મક ચાવીઓ એનાયત કરવામાં આવી હતી. ઉપરાંત, યુવાનોને ઉદ્યોગો સાથે જોડવા માટે એપ્રેન્ટીસશિપ કરારપત્રો પણ આપવામાં આવ્યા હતા, જેના દ્વારા તેમને વ્યવહારુ તાલીમ અને રોજગારનો અવસર મળશે. આ પહેલથી યુવાનોને ઉદ્યોગની જરૂરિયાત મુજબ કૌશલ્ય પ્રાપ્ત થશે અને રોજગારની શક્યતાઓમાં વધારો થશે.
રોજગાર મેળામાં વિવિધ ખાનગી અને જાહેર ક્ષેત્રની સંસ્થાઓ દ્વારા નોકરીની તકો રજૂ કરવામાં આવી હતી. તેમજ સ્વ-રોજગાર માટે બેંક લોન, સરકારની સહાય યોજનાઓ અને તાલીમ કાર્યક્રમોની માહિતી પણ આપવામાં આવી હતી.
કીડીવાવ ખાતે યોજાયેલો આ પ્રેરણાત્મક સ્વ-રોજગાર શિબિર અને રોજગાર મેળો રાજ્ય સરકારના આત્મનિર્ભર ગુજરાતના સંકલ્પને સાકાર કરતો મહત્વપૂર્ણ પ્રયાસ સાબિત થયો છે.





