
રાજ્ય સરકાર દ્વારા આદિવાસી યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે લેવામાં આવેલી પહેલ વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ તરફ આગળ વધી છે. ગાંધીનગર ખાતે આવેલા ઇન્ટરનેશનલ ઓટોમોબાઇલ સેન્ટર ઓફ એક્સેલન્સ (IACE) માં ‘ઇન્ટેન્સિવ ટ્રેનિંગ પ્રોગ્રામ’ પૂર્ણ કરનાર કુલ 376 વિદ્યાર્થીઓને તાલીમ પૂર્ણતાના પ્રમાણપત્રો આપવામાં આવ્યા. આ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમની અધ્યક્ષતા આદિવાસી વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે કરી હતી.
આ તાલીમ કાર્યક્રમ અંતર્ગત ખાસ કરીને આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ કૌશલ્ય અને ટેકનિકલ તાલીમ આપવામાં આવી હતી. આ 376 વિદ્યાર્થીઓમાંથી 301 આદિવાસી વિદ્યાર્થીઓની સંપૂર્ણ ફી રાજ્ય સરકારે ભરી આપી હતી, જે રાજ્ય સરકારની આદિવાસી કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ સહાયથી આર્થિક રીતે પછાત પરિવારોના યુવાનોને આધુનિક ટેકનિકલ શિક્ષણ મેળવવાની સુવર્ણ તક મળી છે.
IACE ખાતે લેવામાં આવેલી આ ઉચ્ચસ્તરીય તાલીમના પરિણામે તમામ 376 વિદ્યાર્થીઓને 100 ટકા પ્લેસમેન્ટ મળ્યું છે. તાલીમ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓને ટાટા મોટર્સ, મહિન્દ્રા, એમજી મોટર, નોબેલ ઓટોમોબાઇલ સહિતની જાણીતી ઓટોમોબાઇલ કંપનીઓમાં રોજગાર પ્રાપ્ત થયો છે. આ સફળતા યુવાનોના કૌશલ્ય વિકાસ સાથે સાથે રાજ્યની ઔદ્યોગિક જરૂરિયાતોને પણ પૂર્ણ કરે છે.
પ્રમાણપત્ર વિતરણ દરમિયાન આદિવાસી વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગાંધીનગર ખાતે કાર્યરત ઇન્ટરનેશનલ ઓટોમોબાઇલ સેન્ટર ઓફ એક્સેલન્સ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની દુરદર્શી વિચારધારાનું પરિણામ છે. તેમણે ઉમેર્યું કે, આવા સંસ્થાનો માધ્યમથી ગુજરાતના યુવાનોને વૈશ્વિક સ્તરની તાલીમ મળી રહી છે અને તેઓ દેશ-વિદેશની કંપનીઓમાં પોતાનું સ્થાન બનાવી રહ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા કૌશલ્ય વિકાસ, શિક્ષણ સહાય અને રોજગાર કેન્દ્રિત યોજનાઓના કારણે આદિવાસી યુવાનોનું જીવનસ્તર ઉંચું આવી રહ્યું છે. IACE જેવી સંસ્થાઓ ગુજરાતને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગક્ષેત્રે અગ્રણી રાજ્ય તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.





