
સોમનાથની પવિત્ર ભૂમિ પર આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ભવ્ય સભામાં જનમેદનીમાં ગૌરવ અને ઉમંગની અનોખી છટા જોવા મળી. હજારોની સંખ્યામાં ઉમટી પડેલા જનસાગરમાં રાષ્ટ્રભાવના, સ્વાભિમાન અને દેશપ્રેમનો અભૂતપૂર્વ સંગમ સર્જાયો હતો. “જય સોમનાથ” અને “વંદે માતરમ્”ના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભાવવિભોર બની ઉઠ્યું.
વડાપ્રધાનશ્રીના આગમનથી પ્રભાસ ક્ષેત્ર અને સોમનાથ વિસ્તારમાં ઉત્સાહની લહેર ફરી વળી. લોકોના ચહેરા પર ગૌરવની ઝળહળાટ સ્પષ્ટ દેખાતી હતી. આ સભા માત્ર એક રાજકીય કાર્યક્રમ નહીં પરંતુ ભારતની આસ્થા, ઇતિહાસ અને રાષ્ટ્રચેતનાનું પ્રતિક બની રહી. સોમનાથ મંદિર અને આસપાસના વિસ્તારોને ભવ્ય શણગારથી સજાવવામાં આવ્યા હતા, જે કાર્યક્રમને વધુ ગૌરવપૂર્ણ બનાવતો હતો.
આ સ્વાભિમાન પર્વ દરમિયાન એક ભાવનાત્મક ક્ષણ પણ જોવા મળી. સોમનાથની દીકરીએ પેન્સિલ સ્કેચથી તૈયાર કરેલા ખાસ ચિત્રો દ્વારા વડાપ્રધાનશ્રી પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી. તેણીએ જણાવ્યું કે સોમનાથ જેવી પવિત્ર ધરતી પર જન્મ થયો તેનું ગૌરવ આજે બમણું થઈ ગયું છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સોમનાથ ક્ષેત્ર અને પ્રભાસની ધરતીને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અને વિશેષ ગૌરવ પ્રાપ્ત થયું હોવાનું તેણીએ ઉમેર્યું.
સભામાં ઉપસ્થિત જનતાએ વડાપ્રધાનશ્રીના સંબોધનને તાળીઓ અને જયઘોષથી વધાવ્યું. અડગ સ્વાભિમાન, રાષ્ટ્રચેતના અને વિકાસની દિશામાં દેશને આગળ ધપાવવાના સંકલ્પને લોકોએ ખુલ્લા દિલે સમર્થન આપ્યું. વડાપ્રધાનશ્રીના નેતૃત્વ પ્રત્યે લોકોમાં વિશ્વાસ અને આશાનો ભાવ સ્પષ્ટ અનુભવાયો.
સોમનાથ સ્વાભિમાન પર્વે ફરી એકવાર સાબિત કર્યું કે સોમનાથ માત્ર એક ધાર્મિક કેન્દ્ર નહીં પરંતુ ભારતના અડગ સ્વાભિમાન, સંસ્કૃતિ અને રાષ્ટ્રગૌરવનું શાશ્વત પ્રતીક છે. આ પર્વે જનમાનસમાં દેશપ્રેમ અને એકતાની ભાવનાને નવી ઉર્જા આપી.





