
‘સેવા પરમો ધર્મ’ના ઉદાત્ત ભાવને આત્મસાત કરી વર્ષોથી પોરબંદર તાલુકાના સમર્પિત શિક્ષકો કિર્તી મંદિર, પોરબંદર ખાતે પોતાની અંદર રહેલી કલાને સમાજસેવામાં અર્પિત કરતા આવી રહ્યા છે. આ પરંપરાને આગળ વધારતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિને આયોજિત પ્રાર્થનાસભામાં શિક્ષકો દ્વારા ફરી એકવાર નિષ્કામ ભાવથી ભાવસભર કલાપ્રસ્તુતિ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં વર્ષોના અનુભવ ધરાવતા ઉદઘોષક તરીકે પે.સે. કડિયા પ્લોટના આચાર્ય શ્રી નિરવકુમાર જોષી તેમજ આકાશવાણી પર લાંબા સમય સુધી સેવા આપનાર રાંઘાવાવ પ્રાથમિક શાળાના શ્રી પૂર્વીબેન વ્યાસે ઉદઘોષક તરીકે ફરજ બજાવી હતી. તેમની સુસંગત અને સંવેદનશીલ રજૂઆતએ સમગ્ર કાર્યક્રમને ગૌરવભર્યું બનાવ્યું હતું.
પી.એમ. શ્રી નવાપરા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી મૌલિકભાઈ જોષીએ પોતાના મધુર ભજનો દ્વારા કિર્તી મંદિરના પરિસરને ભાવવિભોર કરી દીધો હતો. સાથે જ રૂપાળી બાદ કન્યા શાળાની શિક્ષિકા ડો. પ્રિતીબહેન કોટેચા તથા કુછડી સીમ શાળાના શ્રી લતાબેન જુંગી દ્વારા કોકિલ કંઠી અને ભાવનાત્મક સ્વરમાં બાપુના ચરણોમાં કલાની અર્પણાં કરવામાં આવી હતી.
સંગીત સાધનસેવામાં જી.એમ.સી. શાળાના શિક્ષક શ્રી મનિષભાઈ જોષીએ તબલાની સંગત દ્વારા ઉત્તમ સેવા આપી હતી. વર્ષો સુધી પરમ પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા સાથે સંગત કરી ચૂકેલા શ્રી જોષી હાલ પણ યુવા કલાકારોને સંગીતનું માર્ગદર્શન આપી રહ્યા છે. આ ઉપરાંત વી.જે. મોઢા કોલેજના પ્રોફેસર અને સંગીતપ્રેમી શ્રી મહર્ષિભાઈ આચાર્યે ઓક્ટોપેડ દ્વારા સંગીતસેવામાં સહયોગ આપ્યો હતો.
આ તમામ શિક્ષકો કોઈપણ પ્રકારની અપેક્ષા વિના, માત્ર અને માત્ર પૂજ્ય મહાત્મા ગાંધીજી પ્રત્યેના અખૂટ પ્રેમ અને આદરભાવથી વર્ષોથી આવી સેવાઓ આપતા આવ્યા છે. સમાજના અગ્રણીઓ અને ગાંધીપ્રેમીઓ દ્વારા આ સમગ્ર ટીમને હૃદયપૂર્વક અભિનંદન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.





