
સુરત અને તાપી જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે કામરેજ સ્થિત ખોલવડ આર્ટ્સ, સાયન્સ એન્ડ કોમર્સ કોલેજના કેમ્પસમાં ક્લસ્ટર રોજગાર ભરતી મેળો સફળતાપૂર્વક યોજાયો. આ રોજગાર મેળાનું આયોજન શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના નિયામક કચેરી તથા રોજગાર અને તાલીમ વિભાગના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક યુવાનોને રોજગારના વધુ અવસર ઉપલબ્ધ કરાવવાનો હતો.
આ ક્લસ્ટર રોજગાર ભરતી મેળામાં સુરત અને તાપી જિલ્લાના વિવિધ ક્ષેત્રોની કુલ 24 જેટલી કંપનીઓએ ભાગ લીધો હતો. ટેકનિકલ તથા નોન-ટેકનિકલ શાખાઓમાં વિવિધ પદો માટે કુલ ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી, જેના કારણે રોજગાર ઇચ્છુક ઉમેદવારોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો.
રોજગાર મેળામાં ભાગ લેવા માટે 1000થી વધુ રોજગાર ઇચ્છુક ઉમેદવારોે ઓનલાઈન તથા ઓફલાઈન નોંધણી કરાવી હતી. મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ પોતાના શૈક્ષણિક લાયકાત અને કૌશલ્ય સાથે રોજગારની તક મેળવવા ઉપસ્થિત રહ્યા. ઉમેદવારોની લાયકાત, અનુભવ અને કૌશલ્યના આધારે કંપનીઓ દ્વારા ઇન્ટરવ્યૂ અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી.
ભરતી મેળાના અંતે કુલ 5 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આ પ્રાથમિક રીતે પસંદ થયેલા ઉમેદવારો માટે હવે સંબંધિત કંપનીઓ દ્વારા કંપની સ્તરે અંતિમ ઇન્ટરવ્યૂ અને પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અંતિમ પસંદગી બાદ ઉમેદવારોને યોગ્ય પદો પર નિમણૂક આપવામાં આવશે.
આ અવસરે જિલ્લા રોજગાર કચેરીના અધિકારીઓએ જણાવ્યું કે, આવા ક્લસ્ટર રોજગાર મેળાઓ દ્વારા સ્થાનિક સ્તરે રોજગાર સર્જનને વેગ મળે છે તેમજ યુવાનોને ઘરઆંગણે રોજગારની તક પ્રાપ્ત થાય છે. ખોલવડ કોલેજના સંચાલન અને શિક્ષકવર્ગ દ્વારા આ ભરતી મેળાની વ્યવસ્થા માટે સંપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો.
ક્લસ્ટર રોજગાર ભરતી મેળો યુવાનો માટે આશાની નવી કિરણ સાબિત થયો છે અને આગામી સમયમાં આવા વધુ રોજગારલક્ષી કાર્યક્રમો યોજવામાં આવશે, જેથી શિક્ષિત યુવાનોને રોજગાર તરફ દોરી શકાય.





